નવી દિલ્હી, તા. ૧૨ 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્‌સમેન આકાશ ચોપડાએ હાલમાં જ અજિંક્ય રહાણેને વનડે ટીમમાંથી બહાર કરી દેવા અંગે સવાલ કર્યા હતા. ચોપડાએ કહ્યું હતું કે નંબર ચારની પોઝિશન પર સતત સારું પર્ફોમન્સ આપવા છતાં રહાણેને વનડે ટીમમાં સામેલ કરવામાં ન આવ્યો. ચોપડાએ કહ્યું કે ભારતીય બેટિંગ ક્રમમાં ચોથા ક્રમાંક રહાણે ચાર નંબરની પોઝિશન માટે પરફેક્ટ બેટ્‌સમેન છે કારણ કે તે પરંપરાગત રીતે બેટિંગ કરે છે જે ભારતીય ટીમના વનડે અપ્રોચ માટે યોગ્ય છે.

જ્યારે ચોપડાને પૂછવામાં આવ્યું કે ભારતીય વનડે ટીમમાં રહાણે નંબર ચારની પોઝિશન પર પોતાની જગ્યા કેમ બનાવી શક્યો નહીં તો તેણે કહ્યું કે તે પોતે પણ આ વાતને લઈને હેરાન છે કારણે કે તે ચોથા નંબર પર ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યો હતો. ચોપડાએ કહ્યું કે, નંબર ચારની પોઝિશન પર રહાણેનો રેકોર્ડ સારો છે અને જાે તમે પોઝિશન પર સારી બેટિંગ કરો છો અને સારું પર્ફોમન્સ આપો છો તો તમારો સ્ટ્રાઈક રેટ ૮૩ (૮૩.૭૧) આસપાસ છે. તો પછી એવા બેટ્‌સમેનને વધુ તક કેમ મળવી ન જાેઈએ. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા ઘણાં લાંબા સમયથી ચોથા નંબર પર કોઈ સારાં બેટ્‌સેમેનની શોધમાં રહી છે. આ પોઝિશન પર અંબાતી રાયુડૂ, ઋષભ પંત અને બીજા ઘણાં બેટ્‌સમેન રમી ચૂક્યા છે.