અમદાવાદ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારના રોજ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કૉ-ઑપરેટિવ બેંક દ્વારા તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી બદનક્ષી કેસમાં આરોપ મુક્ત કરવાનો આગ્રહ કર્યો છે. રાહુલ ગાંધીએ આ આગ્રહ ફરિયાદકર્તાના સતત ગેરહાજર રહેવાના આધાર પર કર્યો છે. રાહુલ ગાંધીના વકીલ પી.એ. ચાંપાનેરીએ જણાવ્યું કે, કોર્ટે બેંકના અધ્યક્ષ અને ફરિયાદકર્તા અજય પટેલની અરજી રદ્દ કરી ચૂકી છે. જેમાં તેમણે હાજર રહેવાની છૂટ અને સુનાવણી સ્થગિત કરવાનો આગ્રહ કર્યો હતો. વકીલે દાવો કર્યો કે, પટેલ અનેક વખત સુનાવણી દરમિયાન ગેરહાજર રહ્યાં હતા.પટેલની અરજી નામંજૂર થયા બાદ રાહુલ ગાંધીના વકીલે એડિશનલ ચીફ મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ એસપી દુલેરાની કોર્ટમાં આરોપમુક્ત કરવા માટે અરજી કરી હતી. વકીલ ચાંપાનેરીએ કહ્યું કે, આ બન્ને અરજીઓ રદ્દ થવાથી કેસમાં આરોપીને રાહત આપવાનો માર્ગ મોકળો થયો છે. આથી અમે રાહુલ ગાંધીને આરોપ મુક્ત કરવા માટે દાદ માંગી છે. હવે રાહુલ ગાંધીની અરજી પર કોર્ટ ૧૧ ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરશે.ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ૨૦૧૬માં થયેલી નોટબંધીના શરૂઆતના ૫ દિવસોમાં એડીસી બેંક દ્વારા ૭૫૦ કરોડ રૂપિયાની જૂની નોટો બદલીને કૌભાંડ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેના પર એડીસી બેંકના ચેરમેન અજય પટેલે રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો.