વડોદરા, તા. ૧૭ 

માંજલપુર સ્થિત મોનાલીસા રેસીડેન્સીમાં ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમ્યાન સ્થળ પરથી ગેરકાયદેસર ધમધમી રહેલા ગેરકાયદેસર કોલ સેન્ટરમાં કામ કરનાર ત્રણ લોકો, સામાન અને રોકડ મળીને કુલ ૧.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સાઇબર ક્રાઇમ પોલીસમથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, પોલીસને માંજલપુર વિસ્તારમાં આવેલ મોનાલીસા રેસીડેન્સીના પાંચમા ટાવરના ચોથા માળે ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમી મળી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી ત્રણ યુવાનો અમેરિકન નાગરિકોના ડેટા મેળવીને ‘માજિક જેક’ તથા ‘ટેક્સ્ટ નાઉ’ નામના ડિવાઇસથી ફોન કરીને લોન અપાવવાના બહાના હેઠળ વિશ્વાસ અપાવીને તેમની પાસેથી ૧૦થી ૧૫% એડવાન્સ ઇન્સ્ટોલમેન્ટ લેવાના બહાને ગૂગલ પે કાર્ડના માધ્યમથી બીટકોઈનમાં પૈસા પડાવી લેતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતના ગુનાઓ અંતર્ગત અમદાવાદના પાર્શ્વ પકંજભાઈ મહેતા, સુમિત દિલીપ રાજપૂત અને કપિલ ગોવિંદભાઇ ગોયલની ધરપકડ કરીને કોરોના ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકી પાર્શ્વ મહેતા અગાઉ પણ વર્ષ ૨૦૧૭માં અમદાવાદ એલિસબ્રિજ પોલીસમથકે નોંધાયેલા ગેરકાયદેસર કોલ સેન્ટર અંગેના ગુનામાં જ પકડાયેલો છે અને હાલમાં પણ તે જ આ ગેરકાયદેસર કોલ સેન્ટરનો મુખ્ય સૂત્રધાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.