કોરોના વાયરસને કારણે લગભગ ચારેક મહિના સુધી ક્રિકેટ સ્થગિત રહ્યા બાદ આખરે બુધવારથી ક્રિકેટનો પ્રારંભ થનારો હતો પરંતુ ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટનો પ્રારંભ વરસાદને કારણે શક્ય બની શક્યો નથી. સાઉધમ્પટનના રોઝ બાઉલ ખાતે રમનારી ટેસ્ટમાં ભારતીય સમય મુજબ બપોરે 3.00 કલાકે ટોસ થનારો હતો પરંતુ વરસાદ પડતાં ટોસ શક્ય બન્યો નથી.

આ મેચ ઘણી રીતે વિશેષ મહત્વ ધરાવે છે કેમ કે આઇસીસીએ આ મેચમાં ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. અગાઉ લગભગ બે દાયકાથી ઇન્ટરનેશનલ મેચમાં ન્યુટ્રલ અમ્પાયર ફરજ બજાવતા હતા જેને બદલે આ મેચમાં બંને અમ્પાયર ઉપરાંત થર્ડ અમ્પાયર પણ ઇંગ્લેન્ડના જ રહેશે. મેચના રેફરી તરીકે ઇંગ્લેન્ડના જ ક્રિસ બ્રોડ ફરજ બજાવશે. અમ્પાયર તરીતે રિચાર્ડ ઇલિંગવર્ત અને રિચાર્ડ કેટેલબોરો રહેશે.

મેચમાં ટોસ વખતે ટીવી કેમેરા અને આખી ટીમ હાજર હોય છે જેને બદલે આ વખતે માત્ર રેફરી અને બે કેપ્ટન જ જઈને ટોસ કરશે.