વડોદરા, તા.૧૪

મંગળવારે દિવસભર ભારે ઉકળાટ અને ગરમીના અહેસાસ બાદ મોડી રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જેમાં જાેરદાર પવન ફૂંકાયાની સાથે શહેરના કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા હતા. ત્યારે બીજી તરફ ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં જાહેરાતોના હોર્ડિંગ્સ, તંબુ પણ તેજ પવનમાં ઊડી ગયા હતા.

શહેરમાં મંગળવારે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનનો પારો ૪૦ ડિગ્રી વધુ નોંધાયો હતો. દિવસભર ભારે ઉકળાટ અને ગરમી બાદ મોડી રાત્રે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ અને ગરમીના ઉકળાટ વચ્ચે શહેરમાં જાેરદાર પવન ફૂંકાયો હતો. આ સાથે શહેરના કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડયા હતા. મોડી રાત્રે વાતાવરણમાં આવેલા એકાએક પલટાને કારણે શહેરીજનોમાં આશ્ચર્ય ફેલાયું હતું. આ જાેરદાર ફૂંકાયેલા પવનથી ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં લગાવવામાં આવેલા કેટલાક જાહેરાતોના હોર્ડિંગ્સ તૂટી પડયા હતા તેમજ કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશન માટેનો તંબુ પણ તેજ પવનમાં ઊડી ગયો હતો તેમજ ચાર રસ્તા પર સીસીટીવી કેમેરાના પોલ પણ વળી ગયા હતા.