નડિયાદ : નડિયાદ નગરપાલિકાના અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાવાની સમસ્યા જાણે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ગટર ઉભરાવવાની સમસ્યાથી ત્રસ્ત બનેલાં નાગરિકોનો હવે પાલિકા પરથી ભરોસો ઓછો થઈ રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ઉભરાતી ગટરોને કારણે નડિયાદ નગરપાલિકા તંત્રના પ્રી-મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે.

આ સમગ્ર ઘટનામાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર, નડિયાદ શહેરના કુમાર પેટ્રોલ પમ્પ નજીકના દેવકિયા ફળિયામાં અને પીજ ભાગોળ વિસ્તારમાં ગટરો ઉભરાતી હોવાની બૂમ ઊઠી છે. છેલ્લાં દસેક દિવસથી વરસાદ નહીંવત હોવા છતાં આ વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા સમાન્ય બની ગઈ છે. આ સંદર્ભે સ્થાનિકોના મતે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યંુ નથી. ગટરો ઉભરાતી હોય તે સમયે પાલિકા સફાઈ કર્મીઓને મોકલી ગટરો ખોલાવી નાખે છે અને ઉપરથી કચરો હટાવી લેવાય છે, પરંતુ ગટરોની સંપૂર્ણ સફાઈ અને તેમાં ભરાયેલો કચરો કાઢવા માટે પાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી.

સ્થાનિકોના મતે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. ત્યારે નગરપાલિકા દ્વારા મોટી રકમોની ફાળવણી કરી પ્રી-મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, તેની સામે પણ સવાલો ઊભાં થઈ રહ્યાં છે. તંત્ર દ્વારા પ્રી-મોન્સૂનના નામે નક્કર કામગીરી થાય છે કે ફક્ત સરકારી ચોપડે ખર્ચો બતાવી તે નાણાંની કટકી જ થાય છે, તે પણ સવાલ થઈ રહ્યો છે. નાગરિકોમાં આ બાબતે ભારે રોષ જાેવા મળી રહ્યો છે. ત્યારે તાત્કાલિક પાલિકા તંત્ર દ્વારા આ ગટરોની સંપૂર્ણ સફાઈ કરી ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.