વડોદરા : વડોદરા શહેરમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજે ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો. શહેરમાં સાંજના સમયે વરસેલા વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદના પગલે લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. જાે કે, વરસાદ પડ્યા પહેલા દિવસ દરમિયાન ભારે બફારાનો અનુભવ લોકોએ કર્યો હતો. પરંતુ ઓફિસ છૂટવાના સમયે થયેલા વરસાદથી કેટલાક લોકો અટવાઈ ગયા હતા.

રવિવારે સાંજે વરસાદ બાદ આજે અષાઢી બીજના દિવસે સવારે હળવો વરસાદ વરસ્યા બાદ આખો દિવસ ઉકળાટ રહ્યો હતો, જેને પગલે શહેરીજનો ત્રસ્ત થઇ ગયા હતા. જાે કે, સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઇ હતી, જેનાથી લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. આ ઉપરાંત નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. વડોદરા શહેર ઉપરાંત જિલ્લાના તમામ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. જિલ્લા પૂર નિયંત્રણકક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારથી સાંજે ૬ વાગ્યા સુધી ડભોઈમાં ૧૩ મિ.મી., પાદરામાં ૧૦ મિ.મી., વડોદરામાં ૬ મિ.મી., વાઘોડિયામાં ૧૨ મિ.મી., સાવલી અને કરજણમાં ૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ એટલે કે તા.૧૬ જુલાઇ સુધી વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.