અમદાવાદ, ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ૧૦ અને ૧૧ ડિસેમ્બરે છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં પેઠો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં વરસાદ પડી શકે છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ૧૦ અને ૧૧ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. અમદાવાદ, સુરત. વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. હવામાન વિભાગની આગાહીથી ફરીથી ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. પહેલા જ કપાસ, મગળફળી, તલ, બાજરીનો મોટો પાક નિષ્ફળ ગયા બાદ હવે શિયાળુ પાક સારો થાય તેવી જગતના તાતને આશા છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ જાે વરસાદ પડશે તો અન્નદાતા કહેવાતા ખેડૂતોની ચિંતા વધી શકે છે.

કારતક માસમાં ઠંડીએ જમાવટ કર્યા બાદ વાવાઝોડાના કારણે હાલ ઠંડીનો ચમકારો ઘટી ગયો છે અને મિશ્ર હવામાનનો અનુભવ થઈ રહ્યો છે. હાલ રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રે ગરમ કપડાં પહેરવા પડે અને બપોરે એ.સી કે પંખા શરૂ રાખવા પડે તેવું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે. જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી આવનારા ૧૦ અને ૧૧ ડિસેમ્બરે સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.