અમદાવાદ-

ગુજરાતમાં પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ રહેશે. તો સાથે સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળ પહોંચ્યા બાદ હવે મોન્સૂન ધીમે-ધીમે પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભારત તરફ આગળ વધશે અને જૂનના અંત સુધી દિલ્હી પહોંચવાની સંભાવના છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં ગુરૂવારે મોડી રાત્રે અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. આ સાથે સૌરાષ્ટ્રના જસદણના આંબરડી, ભડળી, બધાણી, સોમલપુર અને સોમ પીપળીયામાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આંબરડીમાં તો થોડા સમયની અંદર જ ચાર ઈંચ જેટલો વરસાદ વરસતા પાણી પાણી થઈ ગયુ. રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ચાર ઈંચ વરસાદ વરસતા જસદણ તાલુકાના ચારથી પાંચ ગામના નાના મોટા ચેકડેમ પણ ઓવરફ્લો થઈ ગયા. 

હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે મદદગાર સાબિત થઈ શકે છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ મોનસૂનને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર જુનમાં વરસાદ સામાન્ય રહેશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આ વર્ષે 96 થી 104 ટકા વરસાદ પડવાની સંભાવના છે. એટલે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે.