અમદાવાદ-

હવામાન વિભાગની આગાહી અનુસાર સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાંજ સુધીમાં અમદાવાદ શહેર ઉપરાંત 108 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સમગ્ર સુરત શહેર અને આસપાસનાં તાલુકાઓમાં કડાકા ભડાકા સાથે 4 ઇંચ વરસાદ પડયો હતો. જોકે વડોદરા શહેરમાં પણ સમી સાંજે કાળા ડિબાંગ વાદળોએ વરસવાનું શરી કર્યુ હતું. સમગ્ર ગુજરાતમાં હાલ અત્યારે અષાડ મહિના જેવો મેઘાડંબર જોવા મળી રહ્યું છે. સુરતમાં 4 ઇંચ વરસાદના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ છે. સુરતમાં પાલનપુર, સલાબતપુરા સહિતના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.  અમદાવાદમાં પણ ભારે કડાકા અને ભડાકા સાથે સાંજે વરસાદ તુટી પડ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ, હાટકેશ્વર, ઓઢવ, જશોદાનગર, ખોખરા, વસ્ત્રા, વટવા, અમરાઇવાડી, કાલુપુર, સરસપુર અને અસારવા અને નરોડા સહિતના અનેક વિસ્તારોમાં મેઘો મંડાયો હતો. તો પશ્ચિમ અમદાવાદમાં બોપલ, સેટેલાઇટ, એસજી હાઇવે, સરખેજ, મકરબા, બોડકદેવ, થલતેજ, નારણપુરા, ઘાટલોડિયા, ગોતા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. જરાતના જીવાદોરી સમાન ડેમોમાં પણ વરસાદના કારણે જળસ્તરમાં વધારો થઇ રહ્યો છે. જે સૌથી મોટા રાહતના સમાચાર છે. હાલ તો જે પ્રકારની આગાહી છે તે જોતા સરકાર દ્વારા NDRF ની ટીમોને પણ સાબદી કરવામાં આવી છે. જે જે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં ફરજંદ પણ કરી દેવામાં આવી છે.