ભરૂચ-

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપ-કોંગ્રેસને વોટ નહીં કરીને ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ખળભળાટ મચાવ્યો હતો. તાજેતરમાં યોજાયેલી ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં BTPના પિતા-પુત્ર ધારાસભ્યો છોટુ વસાવા અને મહેશ વસાવાએ ભાજપ-કોંગ્રેસને વોટ નહોતો આપ્યો. જો કે, બન્ને પાર્ટીઓએ બહુ મનાવ્યા બાદ પણ પિતા-પુત્રની જોડી ટસથીમસ થઈ નહોતી, જેથી કોંગ્રેસને એક બેઠકનું નુકશાન ગયું હતું. હવે આ પિતા-પુત્રની જોડીએ રાજસ્થાનમાં પણ પોતાના બન્ને ધારાસભ્યોને ગહેલોત સરકારના ફ્લોર ટેસ્ટમાં મત ન આપવાનો આદેશ કર્યો છે. 

રાજસ્થાનમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે ધારાસભ્યો ચૂંટાયાં છે. ચૌરાસી બેઠક પર રાજકુમાર રોત અને સાગવાડા બેઠક પર રામપ્રસાદ ડિંડોર બીટીપીના ધારાસભ્ય છે. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ વ્હિપ જારી કરી આદેશ કર્યો છેકે,રાજસૃથાનના રાજકીય સંકટમાં જયારે ફલોર ટેસ્ટ થાય તો અશોક ગેહલોત કે ભાજપને મત આપવો નહીં. બંને ધારાસભ્યોને સૂચના અપાઇ છેકે, જો પક્ષના આદેશનો અનાદર કરી મત આપશો તો પક્ષ શિસ્તભંગના પગલાં લેશે.ઉલ્લેખનીય છેકે,બીટીપીના બંને ધારાસભ્યોએ અશોક ગેહલોતને ટેકો કર્યો હતો. સૂત્રોનું કહેવું છેકે, મહેશ વસાવા-છોટુ વસાવાના ભાજપ સાથેના સબંધ મજબૂત થયા છે ત્યારે રાજકીય સમિકરણો જોતાં ફરી એકવાર બીટીપી ભાજપના ખોળામાં બેસે તો નવાઇ નહીં. રાજસ્થાનમાં બીટીપી કોંગ્રેસ સાથે રાજકીય વેર વાળવાના મૂડમાં છે.