વડોદરા : કોરોના સંક્રમિત બનેલા અને હોમ ક્વોરન્ટાઈનમાં સારવાર લઈ રહેલા મ્યુનિ. કોર્પોરેશનના સફાઈ સેવકનું સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પાલિકાતંત્રને કરવામાં આવી હતી. તેમ છતાં પાલિકાતંત્ર તરફથી કોરોનાની ગાઈડલાઈન મુજબ ડેડબોડીનો નિકાલ તેમજ અંતિમવિધિ માટે મદદે ન આવતાં દુઃખ પ્રસંગે મૃતકના પરિવારજનો અને સ્વજનોમાં ચહેરા ઉપર આક્રોશ જાેવા મળ્યો હતો. જાે કે, આ સમગ્ર બનાવની જાણ આરએસપીના કાઉન્સિલર રાજેશ આયરેને થતાં તેઓ પોતાની કોરોના બ્રિગેડને લઈને બનાવના સ્થળે આવી પહોંચ્યા હતા અને તેમની બ્રિગેડ દ્વારા કોરોના મૃતક દર્દીની કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમવિધ કરવામાં આવી હતી. પાલિકામાં સફાઈ સેવક તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર સોલંકીના પરિવારના જણાવ્યા અનુસાર ચાર દિવસ અગાઉ મહેન્દ્રને કોરોના પોઝિટિવ આવતાં તેને હોમ ક્વોરન્ટાઈન કરાયો હતો. આ દરમિયાન શનિવારે તેનું મોત થયું હતું. પરિવારજનોએ તેની અંતિમવિધિ માટે પાલિકાના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો પરંતુ પાલિકાતંત્ર તરફથી કોઈ મદદ મળી ન હતી. મૃતકના પુત્ર દીપકે સ્થાનિક નેતાઓનો સંપર્ક કર્યો હતો. જાે કે નેતાઓ પણ મદદ આવ્યા ન હતા. કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવા માટે પરિવાર પાસે કોઈ સાધન હતું નહીં, છેવટે આરએસપીના કાઉન્સિલર રાજેશ આયરેને જાણ કરાતાં તેઓ કાર્યકરો સાથે દોડી આવ્યા હતા. રાજેશ આયરે અને તેમના કાર્યકરોએ મૃતકની અંતિમવિધિ માટે પરિવારની પડખે રહી જરૂરી સાધનસામગ્રી પૂરી પાડી હતી. પાલિકાતંત્રે તો હાથ અધ્ધર કરી લીધા હતા. બીજી તરફ કોરોનાનો ડર પણ હતો. આવી પરિસ્થિતિમાં રાજેશ આયરેના કાર્યકરોએ પળભરનો વિલંબ કર્યા વગર કોટ પહેરીને મૃતદેહ પહેલા માળથેી નીચે લાવ્યા હતા અને મૃતકની અંતિમવિધિ પરિવારની સાથે કરી હતી.