રાજકોટ-

રાજકોટ મનપાની ચૂંટણી પૂરી થયા બાદ જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારી પુરજાેશમાં ચાલી રહી છે. રાજકોટમાં ગઈકાલે ભાજપે ૧૮માંથી ૧૭ સીટ પર જંગી બહુમતી મેળવી કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે, ત્યારે હવે કોંગ્રેસે રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કમરકસી છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો કુલ ૯,૬૦,૫૫૧ મતદારો જિલ્લામાં નોંધાયા છે, જે પૈકી ૫ લાખ ૩ હજાર ૭૦ પુરુષ અને ૪ લાખ ૫૭ હજાર ૪૭૯ મહિલા મતદારો નોંધાયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકો પર મતદારો શાંતિપૂર્ણ અને સલામત રીતે મતદાન કરી શકે એ માટે ૧૧૪૬ મતદાન મથક ઊભાં કરવામાં આવ્યાં છે.

ચાલુ મતદાન દરમિયાન ઈવીએમ મશીનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાય તેવા સંજાેગોને ધ્યાને લઇ ૧૦% રિઝર્વ ઈવીએમ રાખવામાં આવ્યાં છે. જિલ્લા પંચાયતની ચૂંટણીપ્રક્રિયામાં ૭૧૦૨ વ્યક્તિનો પોલિંગ-સ્ટાફ, ૧૨૧૮ પોલીસ-સ્ટાફ, ૮ રિટર્નિંગ ઓફિસરો, ૨૨ આસિ.રિટર્નિંગ ઓફિસરો સહિતના કર્મચારીઓ ફરજ બજાવશે. આગામી ૨૮મી ફેબ્રુઆરીએ રાજકોટ સહિત રાજ્યમાં ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તથા ૮૧ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેની મતગણતરી ૨ માર્ચના રોજ થશે.

રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠક માટે ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર પુરજાેશમાં શરૂ કરી દીધો છે, જેમાં કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં શાસન જાળવી રાખવા અને ભાજપ જિલ્લા પંચાયતમાં કબજાે કરવા મથામણ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત રાજ્યનાં ૬ મહાનગરમાં સત્તા પર ભાજપનો કેસરિયો લહેરાયો છે, જેની અસર આવનારી જિલ્લા પંચાયત, નગરપાલિકા સહિત ચૂંટણીમાં જાેવા મળશે કે કેમ એના પર સૌની મીટ મંડાયેલી છે.