રાજકોટ-

ગુરૂવારે રાજકોટના રાત્રી કરફ્યુ દરમિયાન ૧૮૧ અભયમ હેલ્પલાઇનના ફોન આવ્યો હતો, જેમાં સામેની અંગ્રેજી ભાષામાં વાત કરતાં એક યુવતીએ જણાવ્યું કે, "અમે વિદેશી છીએ અને રાજકોટ આવ્યા છીએ. માધાપર ચોકડી વિસ્તાર આજુબાજુ અમે બે મહિલાઓ ભૂલા પડ્યા છીએ અને માત્ર અંગ્રેજી ભાષા જ જાણતાં હોવાથી અહીં કોઈ સાથે વાતચીત શક્ય નથી તેથી અમારે શુ કરવું એ સમજાતું નથી. અહીં એક વ્યક્તિને અમારી સમસ્યા સમજાવવાનો પ્રયાસ કર્યો તો તેઓએ કંઈક ૧૮૧ નંબર ડાયલ કરવાનું કહેતાં હોય તેવું લાગ્યું તેથી અમે અહીં ફોન કર્યો, અમારી મદદ કરો."

માધાપર ચોકડીએ ફરજ બજાવતા પોલીસના જવાનોએ આ મહિલાઓને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનનો નંબર આપ્યો અને અહીં ફોન કરતાં જ મહિલાઓના હિત માટે કાર્યરત ૧૮૧ ટીમ મદદ માટે પહોંચી ગઈ. આ બંને મહિલાઓ ફક્ત અંગ્રેજી ભાષા જાણતી હતી. તેથી ૧૮૧ અભયમ હેલ્પલાઈનના કાઉન્સેલર્સ દ્વારા મહિલાઓ સાથે વાતચીત કરી રાજકોટમાં તેમના જાણીતા વ્યક્તિનો ફોન નંબર લઈ તેઓએ જણાવેલી જગ્યા ઉપર સલામત રીતે મહિલાઓને પહોંચાડવામાં આવ્યા હતાં. આમ, અભયમ ૧૮૧ ટીમે રાત્રી કરફ્યુના સમયમાં રાજકોટમાં આવેલી બે વિદેશી મહિલાઓની મૂંઝવણમાં સહાયરૂપ બની તેમને સાચાં સરનામે પહોંચાડી ફરી એક વાર પોતાની માનવતાસભર કાર્યદક્ષતા સાબિત કરી હતી. કોરનાને વધતા સંક્રમણને કારણે રાજકોટમાં રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યો છે. તેવામાં રાત્રિ દરમિયાન વિદેશથી આવેલી બે યુવતીઓ કરફ્યુ હોવાથી ફસાઈ હતી. જેમને 181 અભયમ ટીમ દ્વારા મદદ કરવામાં આવી હતી.