રાજકોટ-

શહેરના બેડી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસ સુધી મગફળીની આવક બંધ રાખ્યા બાદ ફરી મગફળીની આવક શરૂ કરવામાં આવી હતી. મગફળીની આવક ફરી શરૂ કર્યાની જાણ જિલ્લાના ખેડૂતોને થતાં આસપાસના વિસ્તારના ખેડૂતો પોતાની મગફળી લઈને મોટી સંખ્યામાં યાર્ડ ખાતે દોડી આવ્યા હતા.

જેને લઈને યાર્ડમાં 60,000 ગુણી મગફળીની આવક નોંધાઇ હતી. રાજ્ય સરકારે દ્વારા નક્કી કરવામાં આવેલા ટેકાનો ભાવ રૂપિયા 1055 છે. જેની સામે યાર્ડમાં મગફળીના બજારભાવ રૂપિયા 1058 સુધી જોવા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, યાર્ડમાં હરાજી દરમિયાન 66 નંબર મગફળીમાં ભાવ રૂપિયા 1058 ઉપજયો હતો. જ્યારે અન્ય વિવિધ પ્રકારની મગફળીમાં ભાવ રૂપિયા 800 થી 1000 રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ સરકારના ટેકાના ભાવ કરતા પણ ખેડૂતોને મગફળીના સારા ભાવ મળતાં તેઓ પોતાનો માલ યાર્ડમાં વહેંચી રહ્યા છે.