રાજકોટ-

જૂનાગઢમાં થેલેસેમિયાના બાળકને લોહી ચડાવ્યા બાદ HIVનો ચેપ લાગ્યો હોવાની ઘટના સામે આવી હતી. જેને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ એક 14 વર્ષના બાળકને લોહી ચડાવ્યા બાદ HIVનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આ મામલે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે, સિવિલ હોસ્પિટલમાં લોહી ચડાવવાના કારણે બાળકને HIVનો ચેપ લાગ્યો છે. 14 વર્ષના બાળકને થેલેસેમિયાની ગંભીર બીમારી હોવાથી તેને વર્ષોથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી લોહી ચડાવવામાં આવે છે. ત્યારે મે 2020 એટલે કે ગત વર્ષે આ બાળકને HIVનો ચેપ લાગ્યો ન હતો. પરંતુ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં આ બાળકનો HIV રિપોર્ટ પોઝિટિવ આવતા તેના પરિવારજનોમાં ચિંતાનું માહોલ સર્જાયો છે. જોકે, પરિવારજનો તેમજ કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલના તંત્ર પર HIV ગ્રસ્ત લોહી ચડાવવાના કારણે તેને ચેપ લાગવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

રાજકોટ કૉંગ્રેસ દ્વારા જિલ્લાના કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સિવિલ હૉસ્પિટલમાં લોહી ચડાવ્યા બાદ જ બાળકને એચ.આઈ.વીનો ચેપ લાગ્યો હોવાનું પરિવારનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે એચ.આઈ.વી.ના ચેપને કારણે ઍઇડ્સ થાય છે. સામાન્ય રીતે ચેપગ્રસ્ત વ્યક્તિનું લોહી ચઢાવવાથી, ધંધાદારી રીતે લોહી આપતી વ્યક્તિનું લોહી લેવાથી કે ઍઇડ્સગ્રસ્ત વ્યક્તિ સાથે અસુરક્ષિત જાતીયસંબંધ બાંધવાથી એચ.આઈ.વી.નો ચેપ લાગી શકે છે. પીડિતના પરિવારજનોના કહેવા પ્રમાણે, દર છ મહિને તેમના બાળકનો એચ.આઈ.વીનો રિપોર્ટ કરવામાં આવતો હતો. જે મુજબ તા. ચોથી જાન્યુઆરીએ લોહી લેવામાં આવ્યું હતું. પરંતુ પરીક્ષણના રિપૉર્ટમાં એચ.આઈ.વી. પૉઝિટિવ આવતા પરિવાર ચોંકી ગયો હતો.