રાજકોટ-

રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યાં છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન એવા રાજકોટમાં ભાજપમાં ભંગાણ પડ્યું છે. રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના સાથી કોર્પોરેટર દક્ષાબેન અરવિંદભાઈ ભેંસાણીયાએ ભાજપનો કેસરીયો ખેસ છોડીને કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની આગેવાનીમાં 100 સમર્થકો સાથે પંજો પકડી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે, તેઓએ ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હોવા છતાં ભાજપના કોર્પોરેટર પદેથી હજુ સુધી રાજીનામુ આપ્યું નથી.

શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૫માં ભાજપના બે મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા અને પ્રિતીબેન પનારા વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે.છેલ્લા બે વર્ષથી ભાજપે આજે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ રાજકોટની મુલાકાતે છે ત્યારે જ ભાજપમાં ભંગાણ સર્જાયું છે. વોર્ડ નં.૫ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયાએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં પ્રવેશ મેળવી લીધો છે. ધારાસભ્યના સાથી નગરસેવકના કોંગ્રેસ પ્રવેશથી રાજકોટ ભાજપને જોરદાર ફટકો પડ્યો છે.