રાજકોટ-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે બસ ગણતરીના જ મહિનાઓ બાકી છે તે પૂર્વે જ રાજકોટ જિલ્લા પંચાયત વિસ્તારમાં કૉંગ્રેસ માં ગાબડું પડ્યું છે. માત્ર બે કલાકના જ સમયાંતરમાં જસદણ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના ઉપપ્રમુખ ગજેન્દ્ર રામાણી તેમજ તેના પિતરાઈ ભાઈ દિલીપ રામાણીએ ગુજરાતી જસદણ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું છે. બંને પિતરાઈ ભાઈઓએ અંગત કારણોસર કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યાનું જણાવ્યું છે. જોકે, પડદા પાછળનો ખેલ જુદો છે.

કુંવરજી બાવળીયા કૉંગ્રેસ છોડી ભાજપમાં જતા બંને પિતરાઈ રામાણી ભાઈઓએ ભાજપનો સાથ છોડી કૉંગ્રેસનો હાથ થામ્યો હતો. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાના વિરોધી ઉમેદવાર અને કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર એવા અવસર નાકિયાને જીતાડવા માટે બંને ભાઈઓએ તનતોડ મહેનત કરી હતી. સાથે જ કૉંગ્રેસ પક્ષનું કાર્યાલય પણ પોતાના કારખાનામાં ગજેન્દ્ર રામાણીએ ખોલ્યું હતું. 

જોકે, રાજકારણમાં પક્ષાંતર હર હંમેશ માટે થતું આવ્યું છે અને થતું રહેશે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે પૂર્વે જ ગણતરીના જ દિવસો પૂર્વે કૉંગ્રેસ પક્ષમાંથી બંને પિતરાઈ ભાઈઓએ રાજીનામા ધરી દેતા કૉંગ્રેસમાં ગાબડું પડ્યું છે. આગામી સમયમાં બંને રામાણી ભાઈઓ ફરી પાછા ભાજપમાં જોડાશે કે નહીં એ તો સમય જ બતાવશે. રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રવર્તમાન સદસ્યોની ટર્મ પૂર્ણ થતા વહીવટદારનું રાજ શરૂ થયું છે. બીજી તરફ રાજકોટ જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાવવા ભાજપે કવાયત શરૂ કરી દીધી છે તો કૉંગ્રેસ જિલ્લા પંચાયતનું ફરી એક વખત સુકાન સંભાળશે તેવા દાવા કરી રહ્યું છે.