રાજકોટ-

શહેરમાં કોંગ્રેસ 2 બેઠક પર ચૂંટણી લડે તે પહેલા જ હાર નિશ્ચિત થઈ છે. ત્યારે આ મામલે કોંગી નેતાઓની બેદરકારી પણ સામે આવી છે. હાલમાં કૉંગ્રેસમાંથી ટપોટપ પડી રહેલા રાજીનામાઓને લઈને કોંગ્રેસે પોતાના ઉમેદવારો બચાવવા માટે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યો છે. કોંગ્રેસનાં મોટાભાગના ઉમેદવારોએ પોતાના મોબાઈલ સ્વીચ ઓફ કર્યા હોવાનું કોંગ્રેસના શહેર પ્રમુખે અશોક ડાંગરે જણાવ્યું છે. આ ઉપરાંત પોલીસ ઉમેદવારોને ઘરે પહોંચીને ધમકાવી રહી હોવાના પણ આક્ષેપો પણ થઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી જ ભાજપ, કોંગ્રેસ સહિતના નેતાઓ પોતાના સમર્થકોને ટિકિટ મળે તેવા પ્રયાસો કર્યા હતા. જેને લઈને બન્ને પક્ષોમાંથી ટિકીટ ન મેળવી શકનારા કાર્યકર્તાઓ પક્ષથી નારાજ થયા છે. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને વોર્ડ પ્રમુખો દ્વારા રાજીનામાં પણ આપવામાં આવી રહ્યા છે અને અન્ય પક્ષોમાં જોડાઈ રહ્યા છે. જ્યારે તાજેતરમાં જ વોર્ડ નંબર 14નાં કોંગી ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. જેને જોઈને લાગી રહ્યું છે કે, મ.ન.પા.ની ચૂંટણીમાં હવે તોડજોડની રાજનીતિ શરૂ થઈ છે.