રાજકોટ-

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં બે દિવસ પૂર્વે મોડી રાત્રે એકાએક આગ ફાટી નીકળી હતી અને પાંચ દર્દીઓ આગમાં ભુંજાઇને મોતને ભેટયા હતા. જે અંગેની તપાસ કરવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમને કાર્યવાહી સોંપવામાં આવી હતી. આજે SITના અધિકારીઓની અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ સાથે રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી. ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદમાં પત્રકારોને સંબોધ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે સાંજ સુધીમાં FSLનો રિપોર્ટ આવી જશે. તેમજ રાજકોટની અન્ય કોવિડ અને નોન કોવિડ હોસ્પિટલમાં પણ ચેકિંગનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમજ અધિકારીઓ દ્વારા હોસ્પિટલના સ્ટાફના નિવેદન લેવામાં આવી રહ્યા છે. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ઈલેક્ટ્રીક વાયરીંગ યોગ્ય હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

એકે રાકેશે જણાવ્યું હતું કે કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં આગ ન લાગે તે માટે વિશેષ કાળજીની જરૂરિયાત રહે છે. આ ઉપરાંત હોસ્પિટલના સ્ટાફને પણ વધારે ચોકસાઈ પૂર્વક ટ્રેનીંગની જરૂરિયાત જણાઈ રહી છે. આ માટે એક વખત ટ્રેનિંગ આપ્યા બાદ દર બે-ત્રણ મહિને તે લોકોને ફોલોઅપ આપવામાં આવે તે પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલની અંદર ઇલેક્ટ્રિસિટીને લગતા કનેક્શન, લોડ અને સેફ્ટી સહિતના સાધનો માટે આરોગ્ય વિભાગની મંજૂરી તેમજ ત્યારબાદ તેનો અમલ ચોકસાઈથી કરવામાં આવશે.