રાજકોટ-

રાજકોટના કુવાડવા જીઆઇડીસીમાં સુપર સીડ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ધોળકા પોલીસે પકડેલા ચડી-બનીયાન ગેંગનાં શખ્સોએ રીવોલ્વર અને રોકડ રૂપીયાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટનાં કુવાડવા પોલીસે ટ્રાન્સફર વોરંટનાં આધારે ચડી બનીયાન ગેંગનાં પાંચ શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ થોડા સમય પૂર્વે રાજકોટનાં કુવાડવા જીઆઇડીસીમાં આવેલી બોમ્બે સુપર સિડ કંપનીમાં ચોરીની ઘટના સામે આવી હતી.જેમાં સીસીટીવીમાં ચડી બનાયાન ગેંગ ચોરી કરતી કેદ થઇ હતી. કુવાડવા પોલીસે બોમ્બે સુપર સિડ કારખાનાનાં માલીકની ફરીયાદ નોંધી હતી જેમાં રીવોલ્વર સહિત રોકડ રકમની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. જોકે આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી હતી ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસની ધોળકા પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં રાજકોટની બોમ્બે સુપર સિડ કારખાનામાં ચોરીને અંજામ આપ્યો હોવાનું આરોપીઓએ કબુલ્યું હતું. જેના આધારે રાજકોટ કુવાડવા પોલીસે ટ્રાન્સફર વોરંટનાં આધારે ચડી બનીયાન ગેંગનાં શૌલેષ ઉર્ફે શેલો કટારા, રાજુ બરીયા, ભરત પ્લેસ, રાયસંગ ઉર્ફે રામસંગ મોહનિયા અને સુભાષ ભાંભોરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.