રાજકોટ-

રાજકોટમાં ૨૪ કલાકમાં ૫ લોકોના મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૯૪૦૦ને પાર પહોંચી ગઈ છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૫૨૦ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં શુક્રવારે ૬૧ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. રાજકોટ શહેર અને જિલ્લામાં તહેવારના સમયે જ કેસની સંખ્યા ખુબજ વધવા લાગી છે.

શુક્રવારે એક જ દિવસમાં ૧૩૩ કેસ આવ્યા હતા અને હજુ તેમાં આગામી સમયમાં વધારો થઈ શકે છે.આરોગ્ય વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે કે તહેવારને લઈને કેસ વધવાની પૂરી શક્્યતાઓ છે જેની અસર અત્યારથી જ વર્તાવા લાગી છે. જે રીતે સપ્ટેમ્બર માસમાં કેસ આવ્યા હતા તે રીતે ફરીથી ૧૦૦ ઉપર કેસ આવી રહ્યાં છે અને તહેવાર પછી વધારો થશે તેવી ચિંતા પ્રસરી છે.

છેલ્લા એક સપ્તાહમાં જે કેસ આવ્યા હતા તેમાં સૌથી વધુ કેસ શુક્રવારે આવ્યા છે. હાલ જે કેસ આવ્યા છે તેમાં શહેરમા ૮૭ તો જિલ્લામાં ૪૬ કેસ આવ્યા છે. આ સાથે રાજકોટ સહિત જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૧૩૮૩૧ થઈ છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા વધતા હોસ્પિટલાઈઝેશનનો દર પણ વધવા લાગ્યો છે.