રાજકોટ-

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. મહાનગરપાલિકા દ્વારા કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે શ્રેણીબધ્ધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે આજે તા. ૨૪ ના રોજ અન્ય શહેરમાંથી અથવા અન્ય રાજ્યમાંથી રાજકોટ આવતા મુસાફરો માટે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત લક્ષ્‍મીનગર હોકર્સ ઝોન અને મંગળવારી બજાર ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરમાં જે વિસ્તારોમાં ફેરીયાઓ વધુ પ્રમાણમાં રહે છે તેવા વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરી કોરોના સંક્રમણને અટકાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની મેડિકલ ટીમ દ્વારા આવા કેમ્પમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવું છે તેની પ્રાથમિક તપાસ થર્મલ સ્ક્રિનિંગ અને પલ્સ ઓક્સિમીટર વડે ચકાસણી કરવામાં આવે છે. જો કોઇ વ્યક્તિને કોરોના સંદર્ભે કોઈપણ લક્ષણો જણાયે તેમનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવે છે. અન્ય રાજ્ય કે અન્ય જિલ્લા માંથી રાજકોટ આવતા લોકો માટે મનપાની ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોટ ખાતે જ હેલ્થ ચેકઅપ કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગ બુથ, ધનવંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ સેવા રથ, કોવીડ-૧૯ ટેસ્ટીંગ વ્હીકલ તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિનામુલ્યે કોરોના ચેકઅપ કરી આપવામાં આવે છે.