રાજકોટ-

પશ્ચિમ રેલવે ભાવનગર મંડલને ઉર્જા સંરક્ષણની ઓફિસ બિલ્ડિંગ કેટેગરીમાં વર્ષ 2019-20 માટે રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ ભારત સરકારના ઉર્જા મંત્રાલય, કાર્યક્ષમતા બ્યુરો દ્વારા રજૂ કરવામાં આવે છે. 11 જાન્યુઆરી 2021 ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આ એવોર્ડ વર્ચુઅલ માધ્યમ દ્વારા આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારોહમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ, મંડલ રેલ પ્રબંધક પ્રતીક ગોસ્વામી, સિનિયર ડિવીજનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એમ.પી.વિજ અને અન્ય એવોર્ડ મેળવનારા વર્ચુઅલ માધ્યમથી જોડાયેલા હતા. આ ઉચ્ચ સન્માન ઉર્જા વપરાશમાં નોંધપાત્ર સુધારણા માટે એનાયત કરાયો છે. ઉર્જાનો વપરાશ કરતા જૂના ઉપકરણો અને એલઈડી દૂર કરીને 5 સ્ટાર રેટેડ એસી, ફ્રિજ વગેરેનો ઉપયોગ અને ફિટિંગ કરીને પાવર બચત કરવામાં આવી છે. આ ઉપરાંત ડીઆરએમ ઓફિસ બિલ્ડિંગની છત પર 75 કેડબ્લ્યુપીપી સોલર પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. ભાવનગર મંડલ દ્વારા વર્ષ દરમિયાન વીજ બચત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને કર્મચારીઓને જરૂરી ન હોય ત્યારે વીજળી, પંખા વગેરે બંધ રાખવા પ્રોત્સાહિત કરાયા હતા. પરિણામે, ભાવનગર ડિવિઝને વર્ષ 2019-20 દરમિયાન મંડલીય કચેરીમાં ઉર્જા ખર્ચમાં 52% ઘટાડો કરીને લગભગ 92134 યુનિટ ઉર્જાની બચત કરી છે, જેના કારણે મંડલને રૂ. 07 લાખની બચત થઈ છે. મંડલ રેલ પ્રબંધકે અને તમામ ઇલેક્ટ્રિક સ્ટાફને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.