રાજકોટ-

ગુજરાતમાં કોરોના વાયરસ કાળો કહેર વરસાવી રહ્યો છે, તેમાં પણ ખાસ કરીને રાજકોટની હાલત ખુબ જ ગંભીર બનતી જઈ રહી છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(આઇએમએ) દ્વારા રાજકોટમમાં રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. રાજકોટ મનપા દ્વારા ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોરોના કહેરને લઈ મનપા તંત્ર હરકતમાં આવી જઈને શહેરના ઘર, હોટલ, મોલ અને દુકાનો માટેની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. તંત્રની નવી ગાઈડલાઈન પ્રમાણે રાજકોટમાં કોઈ પણ ઘરે કોઈપણ ચીજ વસ્તુ કે રીપેર માટે આવતા ટેક્નિશનના નામ અને નંબર લખવા, શરદી ઉધરસ ન હોય તો જ પ્રવેશ આપવો અને ડિજિટલ પેમેન્ટ કરવા સૂચના આપવામાં આવી છે. હોટલમાં ૬૫ વર્ષ મોટા અને ૧૦ વર્ષથી નાના બાળકોને ઘરમાં રહેવા માટે સૂચન આપી દેવામાં આવ્યું છે.

હોટેલમાં ૫૦ ટકા જ લોકોને બેસવા દેવા, ડિપોઝેબલ ચીજ વસ્તુ વાપરવા સલાહ અને એસી ૨૪થી ૩૦ રાખવા સૂચના આપવામાં આવી છે. તો મોલમાં ભીડ ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે, તેમાં પણ ખાસ કરીને ૬૫ વર્ષથી મોટા અને ગર્ભવતી મહિલા અને ૧૦ વર્ષથી નાના બાળકો પ્રવેશ ન આપવા જણાવ્યું છે. મોલ અંદર ૨ વ્યક્તિ વચ્ચે ૬ ફુટનું અંતર રાખવું, માસ્ક ફરજીયાત પહેરવું જેવા નિયમો બનાવ્યા છે. રાજકોટની દુકાનો માટે જાહેર થયેલી ગાઈડલાઈન પ્રમાણે દુકાનમાં પણ વેપારીઓએ માસ્ક ફરજિયાત પહેરવા જણાવ્યું છે. ગ્રાહકોને દુકાનની અંદર પણ ૬ ફૂટ અંતર રાખવા અને બેગમાં સીધો સામાન આપવા જણાવાયું છે. રાજકોટમાં કોરોના કાળ દરમિયાન ૧૦૦ ડૉક્ટરો સંક્રમિત થયા છે. અનેક ડૉક્ટરો અને અરોગ્ય વિભાગ સાથે જાેડાયેલા લોકો સંક્રમિત થઈ રહ્યા છે.

રાજકોટમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, જેને કારણે ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થવા તરફ જઈ રહી છે. ૫૬૦ બેડમાંથી માત્ર ૨૨ બેડ જ ખાલી છે. રાજકોટમાં ૧ સપ્તાહમાં ૧૨ બાળકો કોરોના સંક્રમિત થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલનું જીવલેણ રેઢિયાળ વહીવટને કારણે દરરોજ ૨૫ થી ૩૦ દર્દીઓના મોત થઈ રહ્યા છે. દરરોજ અનેક પરિવારો નોંધારા બને છે. ગુજરાતમાં હાલ, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો છે. આ પછી બીજા નંબરે સુરત અને ત્રીજા નંબરે સૌથી વધુ એક્ટિવ કેસો રાજકોટમાં છે. રાજકોટ જિલ્લામાં અત્યારે કોરોનાના કુલ એક્ટિવ કેસો ૧૯૪૭ છે. તેમજ કુલ ૪૦૪૭ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે ૧૦૬ લોકોના કોરોનાથી મોત થયા છે.