આણંદ : આણંદની તારાપુર ચોકડી નજીક આવેલી વિવાદી જમીન અંગેનો કેસ કોર્ટમાં ચાલું હોવા છતાં હાલમાં ખંભાત પોલીસ મથકમાં ફરજ બજાવતાં અને તારાપુરનાં તત્કાલીન પીઆઈ સહિત આરોપીઓએ સોમવારે મધ્યરાત્રીનાં બાર વાગ્યાનાં સુમારે વિવાદીત જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનો પર કબજાે જમાવી દઈ દુકાનોમાંથી માલ સામાનની લૂંટફાટ ચલાવી જેસીબી મશીનથી દુકાનો તોડી પાડી નુકશાન કરતા આ બનાવ અંગે દુકાન માલિકો દ્વારા પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે ઉચ્ચ અધિકારીઓના આદેશ પછી તારાપુર પોલીસે ખંભાતના પીઆઈ સહિત ૧૪ આરોપીઓ અને ૨૫થી ૩૦ વ્યક્તિનાં ટોળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરતાં પંથકમાં સનસનાટી મચી ગઈ છે. 

સૂત્રોના જણાવ્યાં અનુસાર, હાલમાં ખંભાત ખાતે ફરજ બજાવતાં અને રજા ઉપર રહેલાં ઊતરેલાં પીઆઈ ડી.એસ. ગોહિલે તારાપુર ગામની તારાપુર ચોકડીએ આવેલી સર્વે નંબર ૪૬૯ પૈકી ૧માં આવેલી ૨૪.૫૦ ગુંઠા જમીન કોકિલાબેન રમણભાઈ પરમારના પરિવાર પાસેથી વેચાણ દસ્તાવેજથી રાખી હતી. આ જમીન ઉપર વર્ષોથી પાંચ છ દુકાનો કાર્યરત હતી, જેમાં ફરિયાદી રિમાક્ષીબેન ભાવિનભાઈ પટેલના દાદા વર્ષ ૧૯૭૬થી શ્રી શિવમ કિરાણા સ્ટોર્સ નામની દુકાન ધરાવે છે. દાદા બાદ પિતા અને હાલમાં ભાઈ આશિષ આ દુકાન ચલાવી રહ્યો છે. આ દુકાનની બાજુમાં લાલજીભાઈ રણછોડભાઈ વાળંદની હેરકટિંગ સલુન, યાસીનભાઈ કાસમભાઈ શેખની યાસીન ટ્રાન્સપોર્ટની બે દુકાન, દિલીપભાઈ હેમંતભાઈ વાઘેલાની ભજીયાની દુકાન, મંજુલાબેન જેન્તીભાઈનું દવાખાનું, બીપીનભાઈ પટેલનું ટ્રેક્ટરનું ગેરેજ તેમજ પ્રિતેશભાઈ ધર્મજવાળાની દુકાન આવેલી છે. આ વિવાદી જમીન બાબતે સિવિલ કોર્ટમાં હાલ દાવો ચાલી રહ્યો છે.

પોલીસના સૂત્રોના જણાવ્યાં અનુસાર, વડોદરાના નિઝામપુરામાં સિદ્ધાર્થ નગર સોસાયટીમાં રહેતાં રિમાક્ષીબેન ભાવિનભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, આ જમીનને લઈને છેલ્લાં કેટલાંક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એક પોલીસ કર્મચારી દ્વારા આ જમીનનો દસ્તાવેજ કરાવી લેતાં દુકાન માલિકોએ આ દસ્તાવેજ ખોટી રીતે કરાયો હોવાની દાદ સાથે તારાપુર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. હાલમાં આ મામલે કેસ કોર્ટમાં ચાલું હોવા છતાં સોમવારે મધ્યરાત્રીનાં ૧૨ વાગ્યાનાં સુમારે ખંભાતના પોલીસ ઇન્સપેક્ટર ડી.એસ. ગોહિલ, મફતભાઈ ઊર્ફે ડોન સહિત ૨૫થી ૩૦ ભરવાડોનું ટોળંુ જેસીબી અને લાકડીઓ સાથે આવીને જમીન અને દુકાનોનો કબજાે મેળવવા માટે ગેરકાયદેસર રીતે જમીનમાં પ્રવેશ કર્યો હતો. રિમાક્ષીબેનની કરિયાણાની દુકાનમાંથી તેલનાં ડબ્બા, મકાઈ, ખોળ, ખાવાની તમાકુ, ચોકલેટ, સિગારેટનાં પેકેટ સહિત બેથી ત્રણ લાખ રૂપિયાનો સામાન લૂંટી લીધો હતો. રિમાક્ષીબેનનો હાથ પકડી ઢસડ્યાં હતાં. તેમનાં ભાઈ આશિષને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ રિમાક્ષીબેનનાં દાદીને ધક્કો મારી જમીન પર પાડી દીધાં હતાં. ઉપરાંત રિમાક્ષીબેનની દુકાન તેમજ અન્ય દસ જેટલી દુકાનો જેસીબીથી તોડી પાડી નુકશાન કર્યું હતું.

આ બનાવને લઈને દુકાનદારોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરતાં નાયબ ડીવાયએસપી ભારતીબેન પંડ્યા સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તોડફોડ અટકાવીને સ્થળેથી બે જેસીબી તેમજ એક કાર સહિત ત્રણ વાહનો કબજે કર્યા હતા. આ બનાવ અંગે તારાપુર પોલીસ મથકનાં ઈન્ચાર્જ પીઆઈ એમ.વી.ચાવડા પણ ઘટના સ્થળે દોડી ગયાં હતાં.

કોની-કોની સામે ગુનો નોંધાયો?

આ બનાવ અંગે રિમાક્ષીબેન ભાવિનભાઈ પટેલની ફરિયાદનાં આધારે ડી.એસ. ગોહિલ (પોલીસ ઇન્સપેક્ટર - ખંભાત), મફતભાઈ ઊર્ફે મફો ડોન વજાભાઈ ભરવાડ (રહે.વાલોત્રી, તા.માતર, જિ.ખેડા), કરમણભાઈ ભરવાડ (રહે.તારાપુર), ગોવિંદભાઈ નારણભાઈ ભરવાડ (રહે. તારાપુર), રાજુભાઈ ખેંગારભાઈ ભરવાડ (રહે.તારાપુર), વિઠ્ઠલભાઈ ભરવાડ (રહે.તારાપુર), વિજયભાઈ ભોકળવા (રહે.તારાપુર), મહેશભાઈ ભરવાડ જેસીબીવાળા (રહે.તારાપુર), કાનજીભાઈ વજાભાઈ ભરવાડ, વિશાલ ભરવાડ, ગોપાલ ભરવાડ, કાળુભાઈ ભરવાડ (રહે. દલોલી, તા.માતર, જિ.ખેડા), વિજયભાઈ ભરવાડ (રહે. ઈન્દિરા કોલોની તારાપુર), પુનાભાઈ ભરવાડ (રહે.ઈસનપુર, તારાપુર) તેમજ અન્ય ૨૫ થી૩૦ જણાનાં ટોળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેડી સિંઘમ ભારતીબેન પંડ્યા આવ્યાં પછી તોડફોડ અટકી!

રિમાક્ષીબેનની ફરિયાદ મુજબ, પોલીસની હાજરીમાં જ ભરવાડ જ્ઞાતીનાં શખસો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ તોડફોડ અટકાવવા માટે પણ કોઈ પ્રયાસ કર્યા ન હતા, પરંતુ ડીવાયએસપી ભારતીબેન પંડ્યા આવ્યાં બાદ આ તોેડફોડ અટકાવવામાં આવી હતી.

આ કેવું? કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં ખાખીએ રૌફ દેખાડ્યો

જમીન માલિક બીપીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ જમીન તેઓએ વર્ષ ૧૯૮૫માં વેચાણ દસ્તાવેજથી રાખી હતી અને જમીનનાં રેકર્ડ પર તેઓનું નામ ચાલે છે. જમીનનો કબજાે પણ તેમની પાસે છે. તેમ છતાં જમીન વેચાણ આપનાર મૂળ માલિકનાં ત્રીજી પેઢીનાં વારસદારો દ્વારા આ જમીન પોલીસ અધિકારીને ગેરકાયદેસર રીતે વેચાણ દસ્તાવેજ કરી આપતાં આ અંગે હાલમાં સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. સિવિલ કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં પોલીસ અધિકારી અને ભરવાડો દ્વારા જમીનનો ગેરકાયદેસર કબજાે મેળવવા તોડફોડ કરી હતી.

ચરોતરમાં જમીન પર કબજાે કરવા ખાખીની ગુંડાગર્દી?

ચરોતરમાં ગેરકાયદેસર રીતે જમીન ખાલી કરાવવા અને જમીનોનાં કબજા મેળવવા માટે અનેક પોલીસ અધિકારીઓ અસામાજિક તત્વો સાથે સાઠગાંઠ કરીને મલાઈ ખાઈ રહ્યાં હોવાના આક્ષેપ ઊઠી રહ્યાં છે, જેમાં કેટલાંક રાજકારણીઓ પણ સંડોવાયેલા છે.

ગુનાની તપાસ પેટલાદનાં ડીવાયએસપી આર.એલ.સોલંકીને સોંપવામાં આવી

આ ઘટના અંગે પોલીસ અધિક્ષક અજીત રાજિયણે જણાવ્યું હતું કે, પોલીસ ઇન્સપેક્ટર ડી.એસ. ગોહિલની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવશે. તેઓ રજા પર છે. રજા દરમિયાન તેમણે આ જમીનનો કબજાે મેળવવા કોની સાથે મળી કાવતરું રચ્યું હતું, તેમજ તેમની સાથે આવેલાં અન્ય આરોપીઓ અગાઉ આવી કોઈ ઘટનામાં સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. આ ગુનાની તપાસ પેટલાદનાં ડીવાયએસપી આર.એલ.સોલંકીને સોંપવામાં આવી છે.

ચરોતરમાં ખાખી જ ભૂમાફિયાઓને પોષી રહી છે?

તારાપુરમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ભૂમાફિયાઓનો આતંક વધી ગયો છે. ગરીબ લોકોની જમીન પર કબજાે કરી, ધાક-ધમકી આપી જમીન પડાવી લેતી આ ટોળકી સામે અનેક કેસ અને રજૂઆત થઈ હોવા છતાં આ ટોળકી ખુલ્લેઆમ આતંક મચાવં રહી છે. આ ઘટના પરથી એ વાત પણ બહાર આવી ગઈ છે કે, આણંદ જિલ્લાની પોલીસ પણ આવી ભૂમાફિયાઓની ટોળકીને પોષી રહી છે. આ તો એક જ ઘટના બહાર આવી છે. આવી અનેક ઘટનાઓની ફરિયાદો થઈ નથી અને દબાઈ ગઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

શું એક પોલીસ અધિકારીની સામે જ દુકાનોમાં લૂંટફાટ થઈ હતી?

એક એવી પણ ચર્ચા પંથકમાં ચાલી રહી છે કે, ખંભાત પીઆઈ રજા પર ઊતરી કબજાે લેવાં આવ્યાં હતા. દુકાન તોડવામાં આવી ત્યારે અંદરનો માલ-સામાન ચોરી જતાં લોકોને ત્યાં હાજર એક બીજા પોલીસ અધિકારીએ અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. જાેકે, ત્યારે પીઆઈ ડી.એસ.ગોહિલે પેલાં પોલીસ અધિકારીને એક બાજુ ઊભાં રહેવાનું જણાવી દીધું હતું. સ્થાનિકોનું કહેવું છે કે, પોતાના સિનિયર અધિકારીનો આદેશ થતાં પેલાં પોલીસ અધિકારી મૂકપ્રેક્ષક બની તમાસો જાેતાં રહ્યાં હતાં. જાેકે, અંતે ડીવાયએસપી ભારતીબેન પંડ્યા ઘટના સ્થળે આવી પહોંચતા પીઆઈ ગોહિલ સહિત અસામાજિક તત્વો ફરાર થઈ ગયાં હતાં.

શું પોલીસ વડા આવાં બીજા કેસોની તપાસ કરાવશે?

અસામાજિક તત્વો દ્વારા અત્યાર સુધી બળજબરીથી કરાયેલાં જમીન કબજાઓની તપાસ જિલ્લા એસપી દ્વારા કરવામાં આવે અને નવા ગુંડા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માગ ઊઠી છે. અહીંના વિસ્તારમાં કરોડોની જમીનો માત્ર ૧૦-૨૦ લાખમાં પડાવી લઈ ધાક-ધમકીથી દસ્તાવેજ કરાવી લેવાનાં અનેક કિસ્સા બન્યાં છે. આ કિસ્સાને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો કરોડો રૂપિયાના આવાં કૌભાંડો બહાર આવે તેવી શક્યતા છે. પોલીસ અધિકારીઓના ભૂમાફિયાઓ સાથેના અનેક કનેક્શન પણ ખુલવાની શક્યતા છે.