વડોદરા : વડોદરા શહેરના સરકારી હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાક્ટના વર્ગ-૪ના સફાઈ કર્મચારીઓ દ્વારા આજે બાકી પગાર મુદ્દે શહેરની સયાજી હોસ્પિટલમાંથી જંગી રેલી યોજી જિલ્લા કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવતા શોષણ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ રેલી વાલ્મીકિ સમાજ સંગઠનના અગ્રણી અશ્વિન સોલંકીની આગેવાનીમાં યોજવામાં આવી હતી.  

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની સરકારી હોસ્પિટલ સહિત રાજ્યની તમામ હોસ્પિટલમાં ભાવનગરના ડી.જી.નાકરાણી અને એમ.જે.સોલંકીનો મેનપાવર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ચાલે છે. શહેરની સયાજી હોસ્પિટલ, જમનાબાઈ હોસ્પિટલ, ગોત્રી જનરલ હોસ્પિટલ (જીએમઈઆરએસ) મેન્ટલ હોસ્પિટલ, આઈ.ડી.હોસ્પિટલમાં ડી.જી.નાકરાણીના કોન્ટ્રાક્ટમાં સંખ્યાબંધ વર્ગ-૪ના કર્મચારીઓ ફરજ બજાવે છે. ડી.જી.નાકરાણી કોન્ટ્રાકટર અને સરકારના તાલમેલના અભાવના કારણે છેલ્લા બે માસથી પગાર ચૂકવવામાં આવ્યો નથી.

આ ઉપરાંત કોરોનાનું ઈન્સેટીવ ચૂકવવામાં આવશે તેવી લાલચ પણ આપી હતી. વર્ગ-૪ના કર્મચારીઓ પાસે કોરોના વોર્ડમાં ફરજ બજાવવાની ફરજ પાડવામાં આવી રહી છે. પરંતુ આજદિન સુધી કોરોનામાં ફરજ બજાવનાર કર્મચારીઓને વિશેષ ભથ્થા આપવામાં આવતા નથી. સરકાર દ્વારા મળતા વેતન સામે કોન્ટ્રાક્ટર નાકરાણી દ્વારા ઓછું વેતન સફાઈ કર્મચારીઓને ચૂકવવામાં આવે છે જેના કારણે કર્મચારીઓમાં ઘણા સમયથી અસંતોષ જાેવા મળી રહ્યો છે. જ્યારે વારંવારની રજૂઆત કરવા છતાંય કોઈ નિકાલ નહીં આવતાં આજે શહેરની તમામ સરકારી હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ સયાજી હોસ્પિટલમાં એકત્રિત થયા હતા, જ્યાં તેઓ વિરોધ પ્રદર્શન કરી રેલીસ્વરૂપે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કોન્ટ્રાક્ટર નાકરાણીના શોષણ વિરુદ્ધ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

કર્મચારીઓના શોષણ અંગે ડી.જે.નાકરાણીના બંધુ ચેતન નાકરાણી દ્વારા કર્મચારીઓના આક્ષેપોને નકારી કાઢયા હતા અને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કર્મચારીઓના વેતન માટે કોન્ટ્રાક્ટ અને સરકારના જાેઈન્ટ એસ્ક્રો એકાઉન્ટ ખોલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેમાં વિલંબ થવાના કારણે કર્મચારીઓના પગાર થયા નથી તેવો લૂલો બચાવ કર્યો હતો.