અમદાવાદ-

તમે જાે ફોનમાં તમારા અંગત કે ખાસ અંગત કહી શકાય તેવા ફોટા રાખતા હોવ તો તમારા માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે. સરકારમાં ટોચના હોદ્દા પર કામ કરતાં એક મહિલા ઉચ્ચ અધિકારીને આ રીતે ફોનમાં અંગત ફોટા રાખવા ભારે પડી ગયા છે. આ મહિલા અધિકારીના આ અંગત ફોટા એક યુવાનના હાથમાં આવી ગયા હતા. આ યુવાને આ મહિલા અધિકારીના અંગત ફોટા વાઇરલ નહીં કરવા માટે રૂપિયા માંગ્યા હતા. છેવટે મહિલા અધિકારી સ્વાભાવિક રીતે સરકારી અધિકારી હોય તેની આ માંગણીને વશ થયા ન હતા અને પોલીસમાં ફરિયાદ કરી હતી. છેવટે સાઇબર ક્રાઇમ પોલીસે આ યુવાનને દિલ્હીથી પકડી જેલના હવાલે કર્યો છે.

સાઇબર ક્રાઇમ પોલીસના મથકના મૂત્રો મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને સરકારમાં ટોચના હોદ્દા પર ફરજ બજાવતા મહિલા અધિકારી જાન્યુઆરીમાં તેમનો મોબાઇલ ફોન એક રીક્ષામાં ભૂલી ગયા હતા. આ ફોનમાં તેમના કેટલાક અંગત ફોટા હતા. આ ફોન સુરતના નાજીમ પટેલ નામના યુવકના હાથમાં આવી જતાં તેણે મહિલા અધિકારીના અંગત ફોટો વાઇરલ કરવાની ધમકી આપી હતી. આ ફોટો વાઇરલ ન કરવા બદલ તેણે રીતસરના રૂપિયા માંગ્યા હતા. આ અંગે પછી તેમણે સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનામાં સામેલ નાજીમ નઇમ પટેલ નામની વ્યક્તિની દિલ્હી ધરપકડ કરી હતી.

આ વ્યક્તિ સુરતના પાછા લીંબાયત વિસ્તારનો રહેવાસી છે. દિલ્હીમાં છૂટક નોકરી કરતા નાજીમે પોલીસને જણાવ્યું હતું કે તે સુરતમાં અગાઉ ભાડેથી ઓટો રિક્ષા ફેરવતો હતો ત્યારે જાન્યુઆરી માસમાં તેમને આ સરકારમાં અગ્રણી હોદ્દા પર કામ કરતી મહિલાનો મોબાઇલ મળ્યો હતો. ફોન જૂનો હોવાથી અને વારંવાર બગડતો હોવાના લીધે તે મહિલા અધિકારીએ તે ફોન ખોવાયો તેના પર ખાસ ધ્યાન આપ્યું ન હતુ. પણ નાજીમે મોબાઇલ ફોન મળ્યા પછી મેમરી કાર્ડ કાઢીને ફોન ફેંકી દીધો હતો. દોઢ બે માસ અગાઉ નાજીમ નોકરી કરવા દિલ્હી ગયો હતો. તેણે તે વખતે મૂકી રાખેલા મેમરી કાર્ડને જાેતાં તેમા તે મહિલા અધિકારીના અંગત ફોટા જાેયા હતા. તેના પછી તેના મનમાં લાલચ જાગી હતી અને તેણે તે ફોટા વાઇરલ ન કરવા માટે રૂપિયાની માંગ કરી હતી. પણ રૂપિયા માંગવાનું તેનું આ કૃત્ય તેને ભારે પડી ગયું છે. સાઇબર ક્રાઇમ પોલીસે તેની ધરપકડ કરીને તેને જેલના હવાલે કર્યો છે.