વડોદરા : દાહોદમાં રહેતા યુવકની શહેરના માંજલપુર પોલીસે મોરબીમાંથી કોઈ પણ કારણ વિના અટકાયત કર્યા બાદ તેને ગેરકાયદે ગોંધી રાખ્યો હોવાની યુવકના પિતાએ હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી અને પુત્રને કોર્ટ સમક્ષ રજુ કરવા માટે હેબિયસ કોર્પ્સની માગણી કરી હતી જે અનુસંધાનમાં કોર્ટ દ્વારા માંજલપુર પીઆઈને હાજર રહેવા માટે નોટીસ ઈશ્યુ કરી છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા ખાતે આવેલા નિશાળ ફળિયામાં રહેતા ૪૩ વર્ષીય ભારતભાઈ રામસીંગભાઈ બારિયા પરિવાર સાથે રહે છે. તેમણે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પ્સની માગણી કરતા જણાવ્યું હતું કે તેમના પુત્ર મુકેશની વડોદરાની માંજલપુર પોલીસ દ્વારા ગત ૨-૨-૨૧ના રાત્રે દોઢ વાગે મોરબી ખાતેથી બળજબરીપુર્વક અટકાયત કરવામાં આવી હતી અને ત્યાંથી તેને માંજલપુર પોલીસ મથકમાં લઈ ગયો હતો. ગત ૨જી તારીખથી તેમના પુત્રની ગેરકાયદે બંધનમાં રાખી તેની અટકાયત કરવામાં આવી છે.

ભારતભાઈએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર મુકેશ એક છોકરી સાથે ભાગી ગયેલો અને તેના વિરુધ્ધ ગત ૨૧-૩-૧૩ના રોજ માજંલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જાેકે તે હવે પરિણીત છે છતાં તેની પર ખોટા દોષારોપણ કરીને તેને પોલીસ મથકે લઈ જવાયો છે અને ત્યારબાદ તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ અરજીના પગલે હાઈકોર્ટ દ્વારા માંજલપુર પોલીસને નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે અને માંજલપુરના પીઆઈને વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી નામદાર કોર્ટ સમક્ષ હાજર રહેવા જાણ કરાઈ હોવાની વિગતો સાંપડી છે. જાેકે આ સમગ્ર બનાવ અંગે માંજલપુર પોલીસ મથકના પીઆઈ કે એમ છાંસિયાએ વારંવાર સંપર્ક કરવા છતાં વાત કરવાનું ટાળ્યું હતું.