વડોદરા : શહેર નજીકના એક ગામની પરિણીત મહિલા સરપંચ પર સાવલી તાલુકાના ઝુમખાગામના એક આધેડે તેના પરિચિત ભુવાની મદદથી તાંત્રિક વિધિથી વશમાં લીધા બાદ સરપંચ પર સતત બે વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બળાત્કારના આરોપી આધેડ અને તેના સાગરીત ભુવા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

હાલમાં શહેરના માણેજા વિસ્તારમાં રહેતી ૪૪ વર્ષીય મીનાબેને (નામ બદલ્યુ છે) ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હું મારા પતિ અને બે સંતાનો સાથે રહું છે. મારો મોટો પુત્ર વડોદરાની કોલેજમાં જયારે નાનો પુત્ર ધો.૧૦માં અભ્યાસ કરે છે. ગત ૨૦૧૨થી ૨૦૧૭ સુધી હું શહેર નજીકના એક ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવતી હતી તે સમયે કનુભાઈ દેવા ઉર્ફો ભોપો વણકર (વણકરવાસ, ઝુમખાગામ, સાવલી) અમારો પરિચિત હોઈ તે અવારનવાર ઘરે આવતા હતા. કનુભાઈ મારી પર ખરાબ નજર રાખતા હતા પરંતું હું તેમના વશમાં આવી નહોંતી જેથી કનુભાઈએ ઝુમખા ગામમાં રહેતા અને તાંત્રિક વિધિ જાણતા ભુવા ભીખાભાઈ ચિમનભાઈ રાવળની મદદ લીધી હતી અને આ બંનેએ મળીને મારી પર વશીકરણ વિધિ કરી હતી.આ દરમિયાન તાંત્રિક ભીખાભાઈ મને કનુભાઈ સાથે બોલવા માટે દબાણ કરતો હતો અને કનુભાઈ મારા પતિ બહારગામ હોય તે સમયે મારી ઘરે આવી મારી એકલતાનો લાભ લઈ મારી મરજી વિરુધ્ધ મારી પર અવારનવાર બળાત્કાર કરતો હતો. કનુભાઈએ ગત મે-૨૦૧૬થી એપ્રિલ-૨૦૧૮ સુધી મારી પર વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. મારા પતિને આ બનાવની ખબર પડતા અમારી વચ્ચે ઝઘડો થયો હતો અને હું મારા છોકરાઓને લઈને ગત એપ્રિલ- ૨૦૧૮માં વડોદરામાં આવી ગઈ હતી. ત્યારબાદ મારા પતિએ બીજા ભુવા જાેડે વિધિ કરાવતા મને સારુ થયુ હતું અને હું ફરી સ્વસ્થ બની હતી. આ બાબતે મે જે તે વખતે સમાજમાં મારી આબરુ જશે તેમ લાગતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી નહોંતી પરંતું મારા પતિ વડોદરા આવતા તેમને મે સમગ્ર વિગતો જણાવતા હું મારા પતિ સાથે ફરિયાદ નોંધાવવા માટે આવી છું.ડેસર પોલીસે પુર્વ મહિલા સરપંચની કેફિયતના પગલે સાવલી તાલુકાના ઝુમખા ગામમાં રહેતા કનુભાઈ વણકર અને તાંત્રિક ભીખાભાઈ રાવળ વિરુધ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. આ બનાવની મહિલા પોલીસ મથકના પીએસઆઈ એન એન પરમારે તપાસ શરૂ કરી બંને આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.