વડોદરા : બળાત્કાર માટે બદનામ પારુલ યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થિની ઉપર ગુજારેલા બળાત્કારનું પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું હતું, જ્યાં સર્વોચ્ચ અદલતે ગંભીર નોંધ લઈ હાઈકોર્ટને આપેલી સૂચનાને પગલે જિલ્લા પોલીસતંત્ર હરકતમાં આવ્યું છે. પીડિતા યુવતી દ્વારા અદાલત સમક્ષ જિલ્લા પોલીસની બેદરકારી અંગે પણ રજૂઆત કરવામાં આવી હોવાથી કોર્ટ કોઈ પગલાં લે એ પહેલાં જ આ મામલામાં બીજાે ગુનો નોંધવાની પારુલ યુનિ.ના રજિસ્ટ્રાર સામે નોંધવાની તજવીજ હાથ ધરી છે.

પીડિતા યુવતી ઉપર પારુલ યુનિ.ના પ્રોફેસર નવજ્યોત ત્રિવેદીના બળાત્કાર બાદ યુનિ. સત્તાવાળાઓએ ઘટનાને દબાવી દેવા માટે ધમધછાડા કર્યા હતા. પરંતુ પીડિતા મક્કમ રહેતાં ઘટનાના લાંબા સમય સુધી અનેક રજૂઆત બાદ એની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકે નોંધાઈ હતી. એ દરમિયાન પારુલ યુનિ. સત્તાવાળાઓ દ્વારા રજિસ્ટ્રાર ડો. અજિત ગંગવાણે દ્વારા પ્રેસનોટ બહાર પાડી પીડિતા અને પ્રોફેસરને યુનિવર્સિટીમાંથી દૂર કરાયા હોવાનું જણાવી આ અખબારીયાદીમાં પીડિતાનું નામ જાહેર કરી દેવાની ગંભીર ભૂલ કરી હતી જેના કારણે યુવતીને અસહ્ય માનસિક ત્રાસ વેઠવો પડયો હતો. સર્વોચ્ચ અદાલત દ્વારા કોઈપણ સંજાેગોમાં બળાત્કારનો ભોગ બનેલી પીડિતાનું નામ કે ઓળખ જાહેર કરવી નહીં, એવા આદેશનું પારુલ યુનિ. સત્તાવાળાઓએ ઉલ્લંઘન કર્યું હતું.

જેને લઈને પીડિતાએ શહેર પોલીસ કમિશનર અને જિલ્લા એસપીને પમી ફેબ્રુઆરીના રોજ બળાત્કારનો ભોગ બનેલી પીડિતાનું નામ જાહેર કરનાર પારુલ યુનિ.ના સત્તાવાળાઓમાં જેમાં આરોપી ડો. દેવાંશુ પટેલ, ડો. કોમલ પટેલ, ડો. અજિત ગંગવાણે, ડો. નવજાેતકુમાર શાંતિલાલ ત્રિવેદી, રામગઢિયા સિકયુરિટી ઓફિસર વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપી ધાક-ધમકી દ્વારા હેરાનગતિ તેમજ ભોગ બનનાર અમો અરજદારના નામ તેમજ આઈપીસી કલમ ૩૭૬ સાથેનો પત્ર પ્રેસમાં છાપવા માટે સોસીઅલ મીડિયા મારફતે વાયરલ કરી બદનામ કરવામાં આવી હોવાનું જણાવી ગુનો નોંધવા માગ કરી હતી. જેની તપાસ જિલ્લા એસપીએ ડભોઈ ડિવિઝનના ડીવાયએસપી કલ્પેશ સોલંકીએ કરી હતી જેમાં તપાસના અંતે આરોપી અજિત ગંગવાણે વિરુદ્ધમાં ગુનો બનતો હોઈ જેથી ગુનો દાખલ કરવા વિનંતી છે તેવો રિપોર્ટ ડીએસપી વડોદરા ગ્રામ્યને કરેલ હતો. પરંતુ પોલીસે ફરિયાદ દાખલ કરવાના બદલે અમારી અરજી ફાઈલે કરી હતી. એ દરમિયાન પીડિતા યુવતીએ ન્યાયની ગુહાર ચાલુ રાખી હતી. પરંતુ હાઈકોર્ટને ગેરમાર્ગે દોરી બળાત્કારનો આરોપી પ્રો. નવજ્યોત ત્રિવેદીએ રાહત મેળવી હતી જેમાં નોટ ટુ એરેસ્ટનો ઓર્ડર લઈ જિલ્લા પોલીસના વાઘોડિયા પોલીસ મથકે ગુપચુપ રીતે હાજર થઈ રવાના થયો હતો. જેની જાણ પીડિતાને થતાં એ સીધી સર્વોચ્ચ અદાલત પહોંચી હતી, જ્યાં તેણીની ઉપર ગુજારાયેલા બળાત્કારની સિલસિલાબદ્ધ વિગતો, પારુલ યુનિ. સત્તાવાળાઓ દ્વારા મામલો દબાવી દેવાનો પ્રયાસ જિલ્લા પોલીસની બેદરકારી અને હાઈકોર્ટ દ્વારા આરોપીને અપાયેલી રાહત અંગે જણાવતાં ચોંકી ઊઠેલી સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક આદેશ આપ્યો હતો અને હાઈકોર્ટને આ મામલે પુનઃ વિચાર કરી પીડિતાને સાંભળ્યા બાદ યોગ્ય નિર્ણય સમયમર્યાદામાં કરવાનું જણાવ્યું હતું.

ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પારુલ યુનિ.ના પ્રો. નવજ્યોત દ્વારા ગુજારાયેલા બળાત્કારનો ચકચારી મામલો ફરીથી હાઈકોર્ટ સમક્ષ આવ્યો છે અને આગામી દિવસોમાં એની સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે પીડિતા દ્વારા બળાત્કારી પ્રો.ડો. નવજ્યોત ત્રિવેદીએ અગાઉ નીચલી કોર્ટમાં કરેલી આગોતરા જામીનઅરજી ફગાવી દેવાઈ હોવાની હકીકત છૂપાવી હાઈકોર્ટમાંથી રાહત મેળવી લીધી હોવાનું પીડિતા શોધી લાવી છે અને એ અંગે હાઈકોર્ટને જણાવશે.

પરિણામે હાઈકોર્ટ એક જ ઝાટકે બળાત્કારના આરોપી પ્રો.ડો. નવજ્યોત ત્રિવેદીને અપાયેલી રાહત પાછી લેશે એવો વિશ્વાસ પીડિતાએ દર્શાવ્યો છે અને કાયદાના નિષ્ણાતોનું પણ માનવું છે કે હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવી એ ગંભીર અપરાધ હોવાથી સુપ્રીમ કોર્ટની સૂચના બાદ પ્રો.ડો. નવજ્યોત ત્રિવેદીને નોટ ટુ એરેસ્ટની રાહત પાછી તો ખેંચાશે જ અને એ બદલ ગુનો પણ નોંધાય તો નવાઈ નહીં. બીજી તરફ જિલ્લા પોલીસે પારુલ યુનિ.ના રજિસ્ટ્રાર ડો.અજિત ગંગવાણે વિરુદ્ધ ગુનો નોંધવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.