ન્યુ દિલ્હી 

ભારતીય ક્રિકેટમાં એક સમય હતો જ્યારે ફેબ-૪ અને ફેબ-૫ વિશે ચર્ચા થતી રહેતી હતી. આ ખેલાડીઓમાં રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણને સામેલ કરાતા હતા તો કેટલાક લોકો તેને ફેબ-૫ બનાવીને તેમાં વીરેન્દ્ર સેહવાગ કે અનીલ કુંબલેને પણ સામેલ કરતા હતા. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને ત્યાં તેઓ વન-ડે તથા ટેસ્ટ સિરીઝ રમવાની તૈયારી કરી રહી છે. ૨૭મી નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે લિમિટેડ ઓવરની સિરીઝનો પ્રારંભ થશે અને ૧૭મી ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ટીમ ઇન્ડિયાના ચીફ કોચ રવિ શાસ્ત્રીએ ના ફેબ-૫ની જાહેરાત કરી છે.

તેણે એમ પણ કહ્યું છે કે આ ફેબ-૫ આ વખતે કાંગારું ટીમને તેમના જ ઘરમાં પરાસ્ત કરી દેશે. રવિ શાસ્ત્રીએ જે ફેબ-૫ પસંદ કર્યા છે તેમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાઝ અને નવદીપ સૈનીનો સમાવેશ થાય છે. ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પહેલી ટેસ્ટ રમ્યા બાદ ભારત પરત આવી જનારો છે. તેની પત્ની અનુષ્કા શર્મા બાળકને જન્મ આપનારી છે તેથી તે બાકીની મેચોમાં રમવાનો નથી. આ સંજાેગોમાં ભારતીય ટીમ પર દબાણ આવી જશે તેની વાતો થઈ રહી છે પરંતુ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે આમાં દબાણની વાત જ ક્યાં આવે છે.

અમે અહીં અમારી નૈસર્ગિક રમત રમવા આવ્યા છીએ. મે ખેલાડીઓને હરીફ ટીમનો આદર કરવા કહ્યું છે પરંતુ નીડર બનીને રમવાનું પણ કહ્યું છે. શાસ્ત્રીએ ઉમેર્યું હતું કે અમારી પાસે ફેબ્યુલસ ફાઇવ એટલે કે ફેબ-૫ છે. બુમરાહ, શમી, સિરાઝ,ઉમેશ યાદવ અને નવદીપ સૈની. આ પાંચ બોલર છે. સૈની ઝડપી છે. બુમરાહ તેના કામમાં બેસ્ટ છે. શમી રમવા માટે આતુર છે. સિરાઝમાં ઘણી પ્રતિભા છે. મને ખાતરી છે કે આ તમામ મળીને ઓસ્ટ્રેલિયન ટીમને તેમની જ ધરતી પર ફરી એક વાર પરાસ્ત કરી દેશે.