વડોદરા : વહો વિશ્વામિત્રી અંતર્ગત યોજાયેલ પદયાત્રામાં યવતેશ્વર કંપાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કમિશનર આવે તે પૂર્વે રાવપુરાના પીઆઈએ ખુરશી ખાલી રાખવા સંદર્ભે કે સોશિયલ ડિસ્ટન્સ સંદર્ભે કહેતા મેયરે પીઆઈને કાંઈક કહેતા પીઆઈએ તમે ચૂપ બેસો કહેતાં મામલો ગરમાયો હતો. જાે કે, આયોજકોએ પીઆઈને બહાર લઈ જતાં મામલો થાળે પડયો હતો. પરંતુ આ સંદર્ભે ઉપસ્થિત ભાજપાના નેતાઓએ આ અંગે પોલીસ કમિશનરને ફરિયાદ કર્યા બાદ સાંજ થતાં સુધી પીઆઈની બદલી કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી.

યવતેશ્વર મહાદેવ મંદિર કંપાઉન્ડમાં વહો વિશ્વામિત્રી અંતર્ગત આયોજિત પદયાત્રામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેયર, સાંસદ, ધારાસભ્યો, શહેર પોલીસ કમિશનર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર હતા. તે માટે ગણતરીની બેઠક વ્યવસ્થા કરાઈ હતી અને તે ફૂલ થઈ ગઈ હતી. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર પહોંચે તે પૂર્વે મેયર, સાંસદ, અકોટા અને સયાજીગંજના ધારાસભ્યો પહોંચ્યા હતા અને ખુરશી પર બેઠા હતા. ત્યાં રાવપુરાના પીઆઈ સોલંકી ઉપસ્થિત હતા. દરમિયાન મળતી માહિતી મુજબ પીઆઈ સોલંકીએ એક ખુરશી ખાલી રાખવા કે બે ખુરશીઓ વચ્ચે અંતર જાળવવાનું કહેતાં મેયરે પણ કાંઈક કહ્યું હતું. દરમિયાન પીઆઈ સોલંકીએ તમે ચૂપ રહો કહેતાં શાંત ગણાતા મેયરનું અપમાન થતાં મેયરે રોષ વ્યક્ત કર્યો હતો. સાંસદની હાજરીમાં ગેરવર્તનથી સાંસદ પણ નારાજ થયા હતા. જાે કે, દરમિયાન પોલીસ કમિશનર ડો. સમશેરસિંગ આવતાં આ અંગે મેયર અને સાંસદે સમગ્ર મામલાની જાણકારી સર્કિટ હાઉસ ખાતે મળવા કહ્યું હોવાનું જાણવા મળે છે. જાે કે, સવારે થયેલી આ ઘટના બાદ સાંજ થતાં સુધીમાં તો પીઆઈ સોલંકીની રાવપુરા પોલીસ મથકમાંથી કંટ્રોલ રૂમમાં બદલી કરાઈ હતી. જાે કે, પોલીસ વિભાગ દ્વારા આ બદલી વહીવટી કારણોસર રૂટિન પ્રક્રિયાના ભાગરૂપે થઈ હોવાનું જણાવાયું હતું.