વડોદરા : કોરોના મહામારીના કારણે લૉકડાઉન બાદ અનલૉકમાં બજારો ખૂલ્યા છે પરંતુ હજુ બજારોમાં રોનક પાછી આવી હોય તેમ દેખાતું નથી. નવરાત્રિ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પરંતુ રાજ્ય સરકારે ગરબા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે ચણિયાચોળી, કેડિયા, આર્ટિફિશિયલ જ્વેલરી વગેરેના બજારો સૂમસામ દેખાઈ રહ્યા છે. વેપારીઓ ગ્રાહકોની રાહ જાેઈ રહ્યા છે. 

નવરાત્રિ પૂર્વે બજારોમાં ધમધમાટ જાેવા મળતો હોય છે તેમાંય ખાસ કરીને મંગળબજાર, નવાબજાર, જ્યુબિલીબાગ પાછળ, અલકાપુરી વગેરે વિસ્તારોમાં ચણિયાચોળી, જ્વેલરી વગેરેની ખરીદી માટે ભારે ભીડ જાેવા મળે છે પરંતુ આ વરસે કોરોનાની મહામારીના કારણે લૉકડાઉન અને ત્યાર પછી અનલૉકમાં ધીમે ધીમે બજારો ખૂલવા માંડયા હતા. અનલૉક-પમાં મોટાભાગન મોલ્સ, બજારો શરૂ થઈ ગયા છે પરંતુ હજુ બજારોની રોનક પાછી ફરી નથી. નવરાત્રિ પર્વ પૂર્વે ચણિયાચોળી, કેડિયા, આર્ટિફિશિયલ જ્વેલરી, ઝભ્ભા વગેરેની ખરીદી માટે ભારે ભીડ ઉમટતી હોય છે. દર વરસે નવરાત્રિને અઠવાડિયું બાકી હોય ત્યાર સુધી ચણિયાચોળી વગેરેનો ૬૦ થી ૭૦ ટકા બિઝનેસ થઈ જતો હોય છે. પરંતુ આ વરસે કોરોનાના કારણે ગરબા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જેથી બજારો સૂમસામ જાેવા મળી રહ્યા છે જેના પગલે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.  નવરાત્રિ પર્વે નિમિત્તે ચણિયાચોળી વગેરેની ખરીદી માટે એકલદોકલ ગ્રાહકો જ આવી રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું તેમજ કર્મચારીઓને મંદીમાં વેતન ચૂકવવા પણ ફાંફાં પડી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. પ્રથમ વખત નવરાત્રિ મહોત્સવ દરમિયાન બજારમાં મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે.