વડોદરા, તા.૧૭ 

મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણના દિવસે કોરોના મહામારીમાં પણ ખૂબ સુંદર રીતે જૈનો ઉજવી રહ્યા છે. આ અંગે વલ્લભસૂરિ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસૂરિ મ.સા.એ જણાવ્યું હતંુ કે, પર્યુષણના પ્રથમ ત્રણ દિવસમાં અષ્ટાહિનકા વ્યાખ્યાન સંભાળાવવામાં આવે છે જેમાં પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈ સહિતના પાંચ કર્તવ્યો, બીજા દિવસે શ્રાવકના ૧૧ કર્તવ્યો અને ત્રીજા દિવસે વિરતિધર્મ સ્વરૂપ પૌષધવ્રત વિશે વ્યાખ્યાન થાય છે. વધુમાં જૈનાચાર્યે જણાવ્યું હતું કે, જેમ મુસ્લિમોમાં કુરાન, ખિસ્ત્રીઓમાં બાઈબલ અને હિન્દુઓમાં ભગવત ગીતા છે તેમ જૈનોના આ કલ્પસૂત્રના નામે ઓળખાય છે. ત્રીજા દિવસે આ કલ્પસૂત્ર જૈનો મોટી ઉછરામણી બોલી ઘરે લઈ જાય છે અને રાત્રિજગો કરે છે. ચોથા દિવસે ઉપાશ્રયમાં ગુરુમહારાજને વહોરાવવામાં આવે છે અને જુદી જુદી પૂજાઓ આ ગ્રંથ ઉપર કરવામાં આવે છે, ત્યાર બાદ વાંચન શરૂ કરવામાં આવે છે. હાલની પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને કારણે જે ભાગ્યશાળીએ ચઢાવો લીધો હોય તે ગુરુમહારાજને પરિવાર સહિત વહોરાવશે. જે વ્યક્તિ શ્રદ્ધા, સમર્પણ અને સદ્‌ભાવપૂર્વક કલ્પસૂત્રનું ૨૧ વાર શ્રવણ કરે તેનો સાત જ ભવમાં મોક્ષ થાય છે. કલ્પસૂત્રનું વાંચન પહેલાંના જમાનામાં ફક્ત સાધુ-સાધ્વી ભગવંતો જ શ્રવણના અધિકારી હતા પરંતુ વીર નિર્વાણ સં. ૯૯૩ અને વિ.સં. ૯૨૩માં વડનગરના રાજા ધ્રુવસેનના યુવાન પુત્રનું મૃત્યુ થતાં રાજા શોકમગ્ન થઈ ગયા હતા. તે વખતે પર્યુષણ પર્વ આવતું હોવાથી રાજ કુટુંબનો શોક દૂર કરવા અને તેમને ધર્મમાર્ગો વાળવા દીર્ઘદૃષ્ટા આચાર્ય ભગવંતે પ્રથમવાર કલ્પસૂત્રનું વાંચન કર્યું હતું અને લોકોમાં હર્ષ થશે અને રાજાનો શોક દૂર થશે. આ ઘટના પછી આજે ૧૫૦૦ વર્ષ ઉપરાંતથી પર્યુષણમાં છેલ્લાં પાંચ દિવસ કલ્પસૂત્રના વાંચન કરવામાં આવે છે. આ કલ્પસૂત્રમાં સાધુના ૧૦ પ્રકારના આચારો, નાગકેતુની અઠ્ઠમ તપ ઉપરની વાર્તા, પુરુષોના ૩૨ લક્ષણો, મેઘકુમારની વાર્તા, દસ અચ્છેરા અને ભગવાનના જુદાજુદા ભવોનું વર્ણન આવતું હોય છે તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.