આણંદ : ગુજરાત રાજ્યમાં સાવર્ત્રિક વરસાદના પગલે ખરીફ સીઝનમાં કુલ વાવેતર વિસ્તારના ૯૯.૫૧ % વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. ગુજરાત રાજ્યના ખેતીવાડી વિભાગમાંથી પ્રાપ્ત આંકડાઓ મુજબ, રાજ્યમાં કુલ ૮૪,૯૦,૦૭૦ હેક્ટર (સરેરાશ વાવેતર વિસ્તાર)માં વાવેતર થાય છે, જેમાંથી ૮૪,૪૮,૨૯૭ હેક્ટર વિસ્તારમાં ૩૧ ઓગસ્ટ સુધીમાં વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે.  

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાલંુ ચોમાસંુ સીઝનમાં પહેલી સપ્ટેમ્બર સુધીમાં ૧૨૦ %થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં ૯૪ તાલુકાઓમાં તો ૧૦૦૦ મિલીમીટરથી વધુ વરસાદ થયો છે. પૂરતાં વરસાદના પગલે ધરતીપુત્રોએ મોટાભાગનું વાવેતર પૂરું કરી દીધું છે.

વિવિધ પાકની દૃષ્ટિએ વાવેતરની વાત કરીએ તો રાજ્યમાં ધાન્ય પાકોમાં કુલ વાવેતર વિસ્તારના ૯૯.૫૯%માં વાવેતર થઈ ચૂક્યું છે, જેમાં ડાંગરનું ૧૦૧.૯૦ %, બાજરીનું ૧૧૩.૪૨%, જુવારનું ૬૨.૯૭ % અને મકાઈનું ૯૩.૧૪ % વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે.

બીજી તરફ કઠોળ પાકોનું લગભગ ૯૨.૫૪% વિસ્તારમાં વાવેતર થયું છે, જેમાં તુવેરનું ૯૧%, મગનું ૯૯.૭૮%, મઠનું ૮૬.૫૨% અને અડદનું ૯૨.૮૫% વિસ્તારમાં વાવેતર થયું છે.

આ સીઝનમાં રાજ્યમાં તેલીબીયા પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. લગભગ ૧૨૦.૬૫ % વિસ્તારમાં તેલીબીયાનું વાવેતર થયું છે, જેમાં મગફળીનું ૧૩૪.૧૦%, તલનું ૧૪૫.૬૯%, સોયાબીનનું ૧૨૨.૩૧% અને દિવેલાનું ૮૩.૩૧% વિસ્તારમાં વાવેતર થયું છે. અન્ય પાકોમાં કપાસનું લગભગ ૮૫.૧૬% વિસ્તારમાં વાવેતર થયું છે, જ્યારે શાકભાજીનું ૧૦૧.૭૩% વિસ્તારમાં વાવેતર થયું છે. ઘાસચારાનું વાવેતર પણ લગભગ ૯૮.૪૦% વિસ્તારમાં થયું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષના વાવેતર વિસ્તારની સરેરાશના આધારે કુલ વાવેતર વિસ્તાર (૮૪,૯૦,૦૭૦ હેક્ટર) નક્કી કરવામાં આવે છે.