દિલ્હી-

કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ મુજબ દેશમાં 15મી જાન્યુઆરી, 2021 સુધી 652 લાખ હેક્ટરમાં શિયાળુ પાકોનું વાવેતર થયુ છે જે પાછલા વર્ષની તુલનાએ વાવેતર વિસ્તારમાં દોઢ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે પાછલી રવિ સીઝનમાં સમીક્ષાધીન સમયગાળા દરમિયાનમાં 642 લાખ હેક્ટરમાં કૃષિ પાકોનું વાવેતર થયુ હતુ. રવિ પાકોના વાવેતરમાં વધારો મુખ્યત્વ ઘઉં, ચોખા, ચણા સહિતના કઠોળ અને તેલીબિયાં પાકોના ક્ષેત્રફળમાં વૃદ્ધિને આભારી છે.

રવિ સીઝનના મુખ્ય પાક ઘઉંનું વાવેતર 2 ટકા વધીને 337.14 લાખ હેક્ટરમાં થયુ હતુ. તેવી જ રીતે ચોખાનો વાવેતર વિસ્તાર પણ 5 ટકા વધીને 21.04 લાખ હેક્ટર થયો છે. પંજાબ, હરિયાણ રાજ્યમાં ખેડૂતો આંદોલન વચ્ચે પણ ઘઉં અને ચોખાના વાવેતરમાં વધારો થયો છે કારણે ઉપરોક્ત બે રાજ્યો આ અનાજ પાકના સૌથી મોટા ઉત્પાદક છે. તેવી જ રીતે કઠોળનું કુલ વાવેતર 2 ટકા વધીને 162 લાખ હેક્ટરમાં થયુ છે. જેમાં ચણા, અડદ, મસુરનું વાવેતર વધ્યુ છે જ્યારે મગ અને અન્ય કઠોળનું વાવેતર ઘટ્યુ છે. જો કે આ વખતે જુવાર, મકાઇ, જવનું કુલ વાવેતર સવા 8 ટકા ઘટ્યુ છે. ખાદ્યતેલોની તેજીની આકર્ષાય આ વખતે ખેડૂતોએ તેલીબિયાંનું વાવેતર વધાર્યુ છે. જેમાં તેલીબિયાંનું કુલ વાવેતર 4.5 ટકા વધીને 82.56 લાખ હેક્ટરમાં થયુ છે. જેમાં સરસવ-રાયડાનું વાવેતર 6.7 ટકા વધ્યુ જ્યારે મગફળીનુ વાવેતર 5.1 ટકા ઘટ્યુ છે.