વડોદરા : વડોદરા શહેરમાં કુદકેને ભૂસકે વધતા જતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ અને મૃતકોના આંકને લઈને સાણસામાં આવેલા શાસકોએ કોરોનાની આડમાં સ્વચ્છતાના નામે વેપારીઓ પાસેથી આડેધડ દંડની વસુલાત કરતા આક્રોશ વ્યાપી રહ્યો છે. જેને લઈને દિવસે દિવસે ગંદકી કરનાર અને દંડ વસૂલાતના આંકડામાં કોરોનાની માફક વિક્રમી ઉછાળો જોવા મળી રહ્યો છે. આ અભિયાનના ભાગરૂપે પાલિકા દ્વારા ૧૦૮૮ વેપારીઓને નોટિસ આપીને તેઓ પાસેથી સવા બે લાખના દંડની વહીવટી ચાર્જ તરીકે વસુલાત કરી છે. આ ઉપરાંત શહેરના વિવિધ વોર્ડમાં ડીવાઇડરો, ફૂટપાથ, ફલાયઓવરની સફાઇ, જંગલ કટીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે “સેવા સપ્તાહ” અંતર્ગત તા.૧૫થી૨૦ સપ્ટેમ્બર દરમિયાન વોર્ડ વિસ્તારોમાં સઘન સફાઇ ઝુંબેશ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્વચ્છ ડીવાઇડરો, ફૂટપાથ, ફલાયઓવર બ્રિજની સફાઇ તેમજ જંગલ કટીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કામગીરીના ભાગરૂપે શહેરના પૂર્વ ઝોનના વોર્ડ નં ૧,૨ અને ૯માં પાણીગેટ રોડ ડીવાઇડર, એમ.જી રોડ ફુટપાથ, ચાંપાનેર રોડ ડીવાઇડર, ગેડીગેટ રોડ, સંગમથી પંચશીલ સુધી, ફતેપુરાથી ચાંપાનેર ગેટ,ઉર્મિ બ્રીજથી સમાતળાવ,ગધેડા માર્કેટથી પંચશીલ,સરદાર એસ્ટેટથી ખોડીયારનગર, કમલાનગરથી ગીત બંગ્લોઝ તથા દક્ષિણ ઝોનમાં વોર્ડ નં ૩,૪ અને ૧૨માં વડસર-વિશ્વામિત્રી બ્રિજ, જીઆઇડીસી બ્રિજ, વડસર ઓવરબ્રીજ, ગુરુકુળથી સોમાતળાવ બ્રિજ, ઉમાથી કલાદર્શન, વાઘોડીયા ચાર રસ્તાથી વ્રુંદાવન, સોમાતળાવ બ્રીજ, કલાદર્શન, સુશેન સર્કલથી નોવીનો-મકરપુરા રોડ, સુશેન સર્કલથી વડસર બ્રીજ, માંજલપુર નાકાથી તુલસીધામ થઇ જયુપીટર ચોકડી ડીવાઇડર, રંગઅવધુત બ્રિજ, લાલબાગ બ્રિજ,સુસેન સર્કલથી તરસાલી શાકમાર્કેટ ડીવાઇડર, તરસાલીથી સોમાતળાવ રોડ,ઓએનજીસી-મકરપુરા-જીઆઇડીસી રોડ તથા ઉત્તર ઝોનમાં વોર્ડ નં ૫,૭ અને ૮માં અકોટા બ્રિજ, માર્કેટથી ભગતસિંહ ચોક ડીવાઇડર, સિધ્ધનાથ રોડ ડીવાઇડર, જેલ રોડ ડીવાઈડર, વિશ્વામિત્રી બ્રિજ, સંગમથી પંચાલ ડીવાઇડર, અદાણીયા પુલથી ફતેપુરા ચાર રસ્તા, બહુચરાજી રોડ બ્રિજ, ફતેપુરા મેઇન રોડ, મેન્ટલ હોસ્પિટલ ડીવાઇડર-કારેલીબાગ, આનંદનગર રોડ, ફતેપુરા ચાર રસ્તાથી સંગમ ચાર રસ્તા, ખસવાડી સ્મશાન રોડ, અમિતનગર બ્રિજ, માણેક્પાર્ક સર્કલ, એરપોર્ટ રોડ, ઉર્મિ બ્રિજ, પંડ્યા બ્રીજ તેમજ પશ્ચિમ ઝોનમાં વોર્ડ નં ૬,૧૦ અને મનીષા સર્કલ, વી.આઇ.પી રોડ, આર.સી. દત રોડ, હાઇટેન્શન રોડ, ઇલોરા પાર્કથી ખોડિયાર ચાર રસ્તા રોડ, આઇનોક્સ રોડ, હરીનગર બ્રિજ, પંડયા બ્રિજ, અટલાદરા-કલાલી બ્રિજ, જીએમઈઆરએસ કોલેજથી યશ કોમ્પ્લેકક્ષ ચાર રસ્તા ડીવાઇડર અને ફુટપાથ સહીત આસપાસના વિસ્તારોની સઘન સફાઇ કરી જંતુનાશક પાવડરના છંટકાવની કામગીરી કરવામાં આવી હતી. તેમજ જાહેરમાં ગંદકી કરનાર કે કચરો ફેંકનાર કુલ ૧૦૮૮ વેપારીઓને નોટીસો આપી તેઓ પાસેથી કુલ રૂ. ૨,૨૦,૮૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો. 

નાગરવાડામાં દંડ વસુલાતા લારી સંચાલકોનો વિરોધ

વડોદરા મહાનગર પાલિકા દ્વારા નાગરવાડા શાક માર્કેટ ખાતે માસ્ક વિના ઉભા રહેલા અને કોવિદ ગાઈડલાઇનનું પાલન ન કરનાર શાકભાજીની લારીઓવાળા અને પથારાઓવાળા પાસે પાલિકા તંત્રના વોર્ડ ઓફિસની ટીમ દ્વારા સો-સો રૂપિયાના દંડની વસુલાત કરાતા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.તેમજ દંડ ભરવા બાબતે બબાલ કરી મૂકી હતી.