વડોદરા : કારેલીબાગ વિસ્તારની પ્રકાશનગર સોસાયટીમાં મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર હાજર સગીર વયની વિદ્યાર્થિની પાસે પીવા માટે પાણી માંગ્યા બાદ વિદ્યાર્થિનીના ઘરમાં ઘુસીને દાગીના અને અસલ પ્રમાણપત્રો અને ઓળખપત્રો સહિત ૧.૮૦ લાખથી વધુની ચોરી કરનાર સગીર આરોપી સહિતની ત્રિપુટીને કારેલીબાગ પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી ૮૭ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

ગત ૨૯મી તારીખના સવારે કારેલીબાગના પ્રકાશનગરમાં રહેતા રાજનભાઈ પટેલના ઘરઆંગણે આવેલા એક ગઠિયાએ તેમની પૈાત્રીને તરસ લાગી છે તેમ કહીને પાણી માંગીને ઘરની રેકી કરી હતી અને પૈાત્રી તેને પાણી આપીને દરવાજાે ખુલ્લો મુકી બાથરૂમમાં ન્હાવા જતા જ ગઠિયાએ ઘરમાં ઘુસીને તિજાેરીમાં સોનાના દાગીના અને પરિવારના તમામ સભ્યોના અસલ ઓળખત્રો સહિતની એલ્યુમિનિયમની પેટી સહિત ૧.૮૦ લાખથી વધુની મત્તાની ચોરી કરી હતી. આ બનાવની કારેલીબાગ પોલીસે તપાસ શરૂ કરી હતી અને બનાવ સમયે આ વિસ્તારમાંથી પસાર થયેલા વાહનોની સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે ચકાસણી કરી હતી.

દરમિયાન પોલીસને એક શંકાસ્પદ બાઈકનો નંબર મળ્યો હતો જે બાઈકની પોલીસે વોચ ગોઠવી હતી અને આજે સવારે આ બાઈક પર જઈ રહેલા એક સગીર સહિત ત્રણ વ્યકિતઓની બહુચરાજી રોડ પરથી શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી. આ પૈકીના બે આરોપીઓ ૨૧ વર્ષીય ગુડ્ડુ દિપકભાઈ દેવીપૂજક(તરસાલી વુડાના મકાનમાં તરસાલીચોક) અને ૨૦ વર્ષીય જીતેન્દ્ર ઉર્ફ જીતુ કનુભાઈ પટેલ (રાજીવનગર,ખોડિયારનગર પાસે)એ તેઓના સગીર વયના આરોપી સાથે ઉક્ત ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે અમે ત્રણેય જણા સોસાયટીમાં જઈને તરસ લાગી છે અને ભુખ લાગી છે તેમ કહીને પાણી કે જમવાનું માંગ્યા બાદ ઘરની રેકી કરી તક મળતા જ તે જ ઘરમાં ઘુસીને ચોરી કરી કરીયે છે અને આ રીતે વિવિધ મકાનોમાંથી મોબાઈલ ફોનની ઉઠાંતરી કરી છે.

પોલીસે તેઓની પાસેથી ગુનામાં વપરાયેલી એક બાઈક તેમજ ચાંદીના આઠ બિસ્કીટ, ચાંદીના સિક્કા, યંત્ર, ૮ મોબાઈલ ફોન, દેશ-વિદેશના ચલણી સિક્કા, એલ્યુમિનિયમની પેટી અને વાહનની આરસી બુક અને લાયસન્સ સહિત ૮૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને પુખ્ત વયના આરોપીઓના કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરી હતી.