દેવગઢબારિયા/ ઝાલોદ

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ચાકલિયા ચોકડી ઉપર ગત તા..૨૦મીના રોજ સાંજના ૬ઃ૧૫ વાગ્યાના સુમારે ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રીક્ષામાં બેઠેલ ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામની ૧૮ વર્ષીય શિલ્પાબેન વાલાભાઈ ડામોર તથા ખરસોડ ગામની ૧૯ વર્ષીય ટીનાબેન મૂળિયા ડામોરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બંને મૃતકોની લાશનું પીએમ થઇ ગયા બાદ લાશને લઈ જવાની તે બંને યુવતીઓના સ્વજનોએ ના પાડી ટ્રકચાલક પાસેથી બંને મૃતક યુવતીઓના પૈસા અપાવવાની જીદ લઈને બેઠા હતા. જેની લીમડી પોલીસને ખબર પડતાં લીમડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. ડી. ડામોર તથા તેમના સ્ટાફના પોલીસ કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. તેઓએ મૃતક યુવતીઓના સ્વજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં તેઓ માન્યા ન હતા.બંને મૃતકોના સગા વહાલાઓ લીલવા ઠાકોર ગામના મહેશભાઈ ડામોર, તુફાનભાઈ ડામોર, અરવિંદભાઈ ગણાવા, રાયસીંગભાઈ ડામોર, હિરોલા ગામના રાકેશભાઈ સંગાડા, રમીલાબેન સંગાડા, ખરશોડના અશ્વિનભાઈ ડામોર, મંગળાભાઈ ડામોર, ગજસિંગ ડામોર, બાબુભાઈ ડામોર, આમબા કાપરી ગામના જતનબેન નિનામા તેમજ બીજા પચાસ માણસો ના ટોળાએ આવેશમાં આવી બેફામ ગાળો બોલી ઉશ્કેરાઈ જઈ રોડની સાઈડમાં પડેલ પથ્થરો લઈ સમજાવવા આવેલ ફરજ પરની પોલીસ ઉપર પથ્થરમારો કરી પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચાડી પોલીસની સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી ધીંગાણું મચાવી ભયનો માહોલ ઉભો કર્યો હતો. આ સંબંધી લીમડી પોસઇ આર.ડી ડામોરે નોંધાવેલ ફરિયાદને આધારે પોલીસે તાલુકાના જુદા જુદા ગામના ૬૦થી પણ વધુ લોકોના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.