અમદાવાદ-

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલ કે જેને કોવિડ-૧૯ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે ત્યાં મોડા રાત્રે ૩.૦૫ વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં ૮ દર્દીઓના મોત થયા છે. બનાવ અંગે જાણ થતાં મોટી સંખ્યામાં દર્દીઓના સગા હોસ્પિટલ દોડી આવ્યા હતા. અહીં તેમને જરુરી માહિતી ન મળી રહી હોવાના આક્ષેપો બાદ સ્થિતિ સામાન્ય વણસી હતી.

દર્દીઓના સગા હોસ્પિટલ પહોંચ્યા બાદ પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લોકોને ભીડ એકઠી ન કરવા માટે જણાવવામાં આવી રહ્યું હતું. આવામાં સગાઓએ અધિકારીઓ દ્વારા વિગતે માહિતી આપવામાં ના આવી રહી હોવાના આક્ષેપ કરીને હોસ્પિટલની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. આવામાં દર્દીઓના સગા ગુસ્સામાં આવી જતા તેમણે બૂમાબૂમ પણ કરી હતી. તેઓ અહીં હાજર થયેલા અધિકારીઓને બનાવ અંગે વિગતે જણાવવા માટે કહી રહ્યા હતા અને દર્દીઓની કેવી સ્થિતિ છે તે વિશે જાણવા માગી રહ્યા છે. 

ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ મીડિયા સાથે વાત કરીને જણાવ્યું કે, અહીંથી મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, બિલ્ડિંગ સેનિટાઈઝ કરાયા બાદ FSL ના ટીમ તપાસ શરુ કરશે, આગ લાગવા અંગે હાલ કંઈ કહેવું મુશ્કેલ છે. પોલીસે એમ પણ જણાવ્યું કે, હોસ્પિટલ દ્વારા અને AMC ના ટીમ દ્વારા સગાને માહિતી આપવા માટેના પ્રયાસ ચાલુ છે. 

આગની ઘટના લગભગ ૩.૦૫ વાગ્યે હોસ્પિટલના ચોથા માળે બની હતી. માનવામાં આવે છે કે વેન્ટિલેટરની ઈલેકિટ્રક સિસ્ટમમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી. હોસ્પિટલમાં ફરજ બજાવતા એક સ્ટાફ જયારે દર્દીનું રૂટિન ચેકઅપ માટે ગયા હતા ત્યારે તેમની PPE કિટ પણ આગની ચપેટમાં આવી ગઈ હતી અને તેઓ ICUમાંથી બહાર દોડીને પોતાનો જીવ બચાવવામાં સફળ થયા હતા. પોલીસે આ સ્ટાફનું સ્ટેટમેન્ટ લીધું છે. આ દ્યટના બાદ ફાયર વિભાગની ટીમ ૩.૧૯ વાગ્યે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, ટીમને આગ પર કાબૂ મેળવવા માટે અમુક કલાકોનો સમય લાગ્યો હતો. આગના કારણે રૂમની અંદર થયેલા ધૂમાડાના કારણે દર્દીઓનું ગૂંગળાઈ જવાથી મૃત્યું થયું હોવાનું માનવામાં આવે છે. ફાયર વિભાગની ટીમમાંથી કેટલાક લોકોએ જણાવ્યું કે તેમના જીવનમાં તેમણે આટલી ભયંકર આગ પહેલા નથી જોઈ