અમદાવાદ-

રાયુપર નજીક આવેલા આ વિસ્તારમાં જ્યારથી વેક્સિનેશનની શરૂઆત થઈ ત્યારથી વેક્સિન લેવા બાબતે લોકોમાં નિરસતા જાેવા મળી હતી, પરંતુ વેક્સિન સાથે તેલની સ્કીમ લાગુ કર્યા બાદ છેલ્લા ૧૦ દિવસમાં ૫૦૦થી વધુ લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો માત્ર એક કેસ સામે આવ્યો છે. સામે ૪ જેટલા દર્દીઓ સાજા થતાં તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાન છે. શહેરમાં આજે પણ એક પણ દર્દીનં કોરોનામાં અવસાન થયું નથી. બીજી તરફ વેક્સિનેશન મહાભિયાન અંતર્ગત એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે શરૂ થયેલ વેક્સિન સેન્ટર ઉપર સોમવારે ૩૯૧ મુસાફરોને ઓન ધ સ્પોટ રસી મૂકવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે તહેવારો નજીક આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા રસીકરણની કામગીરીને વધુ ઝડપ સાથે તમામ લોકોને રસી મળી જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાયુપર- ખાડિયા નજીક આવેલા એક વિસ્તારમાં સ્થાનિકોને કોરોનાની વેક્સિન મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ કોઈ રસી લઈ રહ્યું ન હતું. આખરે ૧૦ દિવસ પહેલા મ્યુનિ.એ લોકોને પ્રોત્સાહન આપવા માટે રસીની સાથે એક લિટર તેલ આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આ વિસ્તારમાં વેક્સિનેશન સેન્ટરો ઉપર એકાએક લોકોની ભીડ જાેવા મળી હતી. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, અહીં વેક્સિન લેવા આવેલા લોકોને તેલ આપવામાં આવ્યું હતું, તે તેલના પાઉચ કેટલાક લોકો દારૂના અડ્ડા ઉપર વટાવી દારૂ ખરીદ્યો હોવાના સંખ્યાબંધ દાખલા સામે આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વેક્સિન લેવાની બાકી હોય એવા લોકોને આકર્ષવા એક લિટર તેલ આપવાની સ્કીમ શરૂ કરી હતી. ૯મી ઓક્ટોબરથી શહેરમાં શરૂ થયેલી આ સ્કીમને સોમવારે પૂરા ૧૦ દિવસ થયા હતા. આ સમયગાળા દરમિયાન કુલ ૬૧ હજારથી વધુ લિટર ખાદ્ય તેલનું વિતરણ થયું હતું. જેમાં ૨૪ હજાર લોકો એવા હતા જેમણે માત્ર તેલ મેળવવા વેક્સિન લીધી હતી જ્યારે બાકીના ૩૭ હજાર લોકોએ વેક્સિનનો બીજાે ડોઝ સાથે તેલ આપવામાં આવ્યું હતું.

મ્યુનિ. આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી મુજબ સોમવારે સાંજે ૪.૩૦ વાગ્યા સુધી શહેરમાં છેલ્લા ૧૦ દિવસમાં ૬૧ હજારથી વધુ લોકોને વેક્સિન લીધા બાદ એક લિટર ખાદ્ય તેલ આપવામાં આવ્યું હતું. એક એનજીઓના સહયોગથી મ્યુનિ.એ તેલ વિતરણ સ્કીમ શરૂ કરી હતી જેને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. સૌથી વધુ દક્ષિણ ઝોનમાં ૧૫ હજારથી વધુ લોકોએ વેક્સિન લેતા તેલ આપવામાં આવ્યુ હતું. સોમવારે રસી કેન્દ્રો ઉપર ૨૫,૫૫૫ લોકોએ રસી લીધી હતી, જેમાં ૭,૫૨૫ લોકોએ પ્રથમ જ્યારે ૧૮,૦૩૦ લોકોએ રસીનો બીજાે ડોઝ લીધો હતો. વેક્સિનેશન ઘર સેવાની હેલ્પલાઈન પર ૨,૦૭૬ લોકોએ સોમવારે કોલ કરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે પૈકીના ૧,૬૭૯ લોકોને મ્યુનિ. આરોગ્ય વિભાગે ઘરે જઈ રસી આપી હતી.