ગાંધીનગર-

આ વર્ષે ચોમાસુ લાંબુ ખેંચતા ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ વરસાદને લઈને ચિંતિત બન્યા છે. તેવામાં ગુજરાતનાં હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 17 ઓગસ્ટ બાદ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોમાં હાશકારો જોવા મળી રહ્યો છે.

રાજ્યના હવામાન વિભાગે હાલ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસમાં છૂટા છવાયા વરસાદની આશા બંધવામાં આવી છે. ત્યાર બાદ 17 ઓગસ્ટ થી રાજ્યમાં ચોમાસુ ફરીથી એક્ટિવ થાય અને ભારે વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 17 ઓગસ્ટ બાદ સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે હાલ રાજયભરમાં 47% વરસાદની ઘટ જોવા મળી રહી છે. આગામી સમયમાં સારો વરસાદ થાય તે હવે ખૂબ જ જરૂરી બન્યું છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યના  55થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર ગઢડા, બારડોલીમાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના ગોંડલમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. પરંતુ હજી સારા વરસાદ માટે ખેડૂતોને રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં 17 ઓગસ્ટ બાદ ચોમાસું ફરી સક્રિય થવાના એંધાણ છે. જેથી 4 દિવસ બાદ ખેડૂતોને રાહત મળશે.