વડોદરા : શહેર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ૧૦ કિ.મી. સુધીની લંબાઈમાં બબ્બે વખત શોધવા છતાં ફતેગંજ પોલીસ મથકમાં હત્યા કરી હોવાના મનાતા શેખ બાબુનો મૃતદેહ કે અવશેષો હાથ લાગ્યા ન હતા. એવા સમયે આજે ફાયર બ્રિગેડ વિભાગને કેનાલમાંથી હાડકાં ભરેલો કોથળો મળી આવતાં તરત જ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ તેમજ એફએસએલને જાણ કરવામાં આવી હતી. 

શહેરના ગોરવા વિસ્તારમાંથી પસાર થતી પંચવટી કેનાલમાં મહિલાનો મૃતદેહ બહાર કાઢતી વખતે ફાયર બ્રિગેડને માનવકંકાલના અવશેષો મળી આવ્યા છે. આ કંકાલ શેખ બાબુના હોવાની પોલીસને શંકા છે. આ માનવકંકાલના અવશેષો પોટલામાં ભરેલાં હતાં. માનવકંકલના અવશેષો મળ્યાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. માનવકંકાલના અવશેષોની એફએસએલ તપાસ કરવામાં આવશે. વડોદરા શહેર ફતેગંજ પોલીસ સ્ટેશનના ચકચારી શેખ બાબુ હત્યાકેસમાં શેખ બાબુની લાશ શોધવા માટે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની મદદથી બે વખત છાણી કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. જાે કે, શાહ કે માનવકંકાલ કશું મળી આવ્યું નહોતું. અત્રે ઉલ્લેખનીય છે કે તા.૧૦ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ બપોરના સમયે ચોરીના ગુનાની કબૂલાત કરાવવા માટે ફતેગંજ પોલીસ સ્ટેશનના એલઆરડી પંકજ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ શેખ બાબુને ટીપી-૧૩ વિસ્તારમાંથી ફતેગંજ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, જ્યાં પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ, પીએસઆઈ અને ચાર એલઆરડી જવાનોએ શેખ બાબુને કોમ્પ્યૂર રૂમમાં ખુરશી સાથે બાંધી ઢોર માર માર્યો હતો જેમાં શેખ બાબુનું મોત નીપજ્યું હતું, જેથી પોલીસ કર્મચારીઓએ મૃતદેહને આયોજનપૂર્વક સગેવગે કરી દીધો હતો એવા આરોપ લાગ્યા હતા.

તત્કાલીન પીઆઈ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, પીએસઆઈ દશરથ રબારી, ચાર પોલીસ કોન્સ્ટેબલ પંકજ, યોગેન્દ્રસિંહ, રાજેશ અને હિતેશ સામે હત્યાનો ગુનો દાખલ થતાં તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. શેખ બાબુ હત્યાકેસની તપાસ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાયાના ગણતરીના દિવસોમાં જ છ આરોપી પોલીસ કર્મચારીઓ હાજર થયા હતા. ૧૦ દિવસના રિમાન્ડ છતાં કોઈ કબૂલાત થઈ શકી ન હતી. આરોપીઓએ નાર્કોટેસ્ટનો પણ ઈન્કાર કરતાં મામલો પેચીદો બન્યો હતો.

બીજી તરફ હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કરતાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને આગામી તા.ર૪મીએ તપાસનો વિગતવાર અહેવાલ લઈ હાજર થવા સૂચના આપી છે. બપોર બાદ ફાયર બ્રિગેડની સૂચનાને પગલે એફએસએલની ટીમે સ્થળની મુલાકાત લઈ હાડકાંના સેમ્પલ લઈ એના પૃથ્થકરણની તૈયારીઓ શરૂ કરી દીધી છે.