વડોદરા, તા. ૨૩

ત્રણસો પચાસ વર્ષ જુના યવતેશ્વર ધાટ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા જીર્ણોદ્વારની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેઓ દ્વારા ધાટના પગથિયા , પાણીની માત્રા જાણવા તેમજ પૂરની સ્થિતી જાેવા માટે ગાયકવાડી શાસન દ્વારા વિવિધ આકારના પત્થરો બેસાડવામાં આવ્યા હતા તેમજ મગરો માટે સન બાસ્કિંગની જગ્યાનું જીર્ણોદ્વાર કરીને પુનઃ સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણતા આરે છે ત્યાર કરોડોના ખર્ચે પાલિકા દ્વારા વિવિધ કામગીરીનો દેખાડો કરીને માત્ર કાગળો પર ખર્ચાઓ બતાવવામાં આવી રહ્યા છે ત્યારે લોક ભાગીદારીથી માત્ર બે મહિનામાં યવતેશ્વર ધાટની શક્લ બદલી દેવામાં આવી છે. જળચર જીવો પણ ધાટ પર આવવાની શરુઆત કરી દીધી છે જે લોક ભાગીદારીના કાર્યની સફળતાનું પરીણામ છે.

શહેરની ઐતિહાસિક ધરોહર સમાન કાલાઘોડા પાસે થી પસાર થતી વિશ્વામિત્રી નદી કિનારે વર્ષો પહેલાં રાવજી અબાજીરાવ ફણસે દ્વારા યવતેશ્વર ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ વિશ્વામિત્રી નદીમાં પુર તથા પાલિકા તંત્રની જાળવણી અને નિભાવણીના અભાવે સમયાંતરે આ ઘાટ ધીમે ધીમે માટી અને કચરાના ઢગલાઓ વચ્ચે લુપ્ત થવાને આરે આવી ગયો હતો. અંદાજે ૩૫૦ વર્ષ અગાઉ શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના ઘાટના સર્જન માટે પત્થરો બેસાડવા વિવિધ પ્રકારના મટીરીયલ થી ઘાટ તૈયાર કરવામાં આવ્યો હતો.ધાટ પર પત્થરમાંથી તૈયાર કરેલી માછલી, બીજા નંબરે મગર તથા ત્રીજા નંબરે પણ મગરની પ્રતિમાઓ મૂકવામાં આવી હતી. હાલમાં કાચબાની પ્રતિમા ગૂમ થયેલ છે.આ પ્રતિમાઓ મુકવલા પાછળનું મુખ્ય કારણ પહેલાંના સમયમાં ચોમાસામાં જ્યારે વિશ્વામિત્રી નદીમાં પત્થરની માછલી સુધી પાણી આવે ત્યારે શહેરમાં કેટલું પાણી આવશે કયા કયા વિસ્તારો પાણીથી પ્રભાવિત થશે , ત્યારબાદ બીજા નંબરના પત્થરના મગરની પ્રતિમા સુધી પાણી આવે તો કેટલું પાણી શહેરને અસર કરશે અને ત્રીજા પત્થરના મગર સુધી પાણી આવી જાય તો વડોદરા માથે પુરનુ સંકટ કેટલું હશે તે અંદાજાે લગાવવામાં આવતો હતો .આ ઘાટ સહિત યવતેશ્વર મહાદેવ પાસેના જ્ઞાનઘાટ, ધ્યાન ઘાટ અને રામ ઘાટ ઉપરના જે પગથિયાં તથા આસપાસના પત્થરો અવ્યવસ્થિત થઇ ગયા હતા તેને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રિનોવેશન કરી જીર્ણોદ્ધાર ની કામગીરી કરવામાં આવી રહી છે. આ પત્થરોનું જીર્ણોદ્વાર કરવા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

સન બાસ્કીંગ પોઈન્ટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

વડોદરા શહેર મગરો તેમજ સિડ્યુઅલ એકમાં સમાવેશ થયેલા લેધર કાચબાઓ માટે જાણીતું છે. ત્યારે આ પ્રકારના જળચર જીવો માટે સન બાસ્કિંગ પોઈન્ટ બનાવવો જરુરી હોવાથી નદીના કિનારે આવેલ ધાટ પર વિવિધ આકૃતિઓ ધરાવતા પત્થરો સાથે આકર્ષણનું કેન્દ્ર બને તે પ્રકારના સન બાસ્કિંગ પોઈન્ટનું જીર્ણોદ્વાર કામ પુરુ થવાને આરે છે ત્યારે તે ધાટ પર કાચબાઓનું આગમન પણ શરુ થઈ ગયું છે.

છેલ્લા બે મહિનાથી દરરોજ લોકભાગીદારીથી કાર્ય કરવામાં આવે છે

ધાટને પુનઃસ્થાપિત કરવા માટે દરરોજ ડાॅ.ચંદ્રશેખર પાટીલ , મયુર ભાટી , આદીશ ,વિનીતા , હિતેશ પાટીલ , પ્રકાશ પાટીલ , શક્તિ પવાર , તુષાર ઉત્તેકર , પ્રશાંત મિસ્ત્રી , સંજય સોની તેમજ અરવિંદ પવાર તેમજ વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટીમના સભ્યો કાર્ય કરે છે. તે સિવાય દર રવીવારે કોલેજના વિદ્યાર્થીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શ્રમદાન આપવામાં આવે છે.

પગથિયાને નુકસાન ન થાય તે માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ

ધાટના પત્થરોનું જીર્ણોદ્વાર કરતા પહેલાં ડાॅ. પાટીલ દ્વારા ધાટમાં ઉપયોગ થયેલા મટીરીયલ અને પત્થરો વિશે ચકાસણી કરીને કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને એક ખાસ પ્રકારનો લેપ તૈયાર કરીને પત્થરોને જાેડવા માટેનું કાર્ય માટે ઉપયોગ કરવામાં આવે છે. આ પત્થરોને જાેડવા માટે ચૂનો, ગોળ, દહીં, રેતી, બીલીપત્રનું ફળ તેમજ શાકભાજી અને ફળોને મહિના સુધી સંગ્રહ કરીને તેને ક્રશ કર્યા બાદ મટેરિયલ તૈયાર કરી જાેડાણમા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નદી અને ઐતિહાસિક સ્થળોને જવાબદારી સમજીને કાર્ય થાય તેવી આશા ઃ ડાॅ.પાટીલ

ડાॅ. ચંદ્રશેખર પાટીલ દ્વારા ધાટને પુનઃ સ્થાપિત કરવાની કામગીરી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, શહેરની શાન એવી વિશ્વામિત્રી નદી અને વિવિધ ઐતિહાસિક સ્થળોને લોકો તેમજ સરકાર બન્ને તેમની જવાબદારી સમજીને કાર્ય કરે તેવી આશા વ્યક્ત કરી હતી.તે સિવાય વન્ય જીવ પ્રેમી અરવિંદ પવાર દ્વારા જણાવ્યું હતું કે , વિશ્વામીત્રીમાં કરવામાં આવતું ડંમ્પીંગ તેમજ કેમીકલયુકત પાણી છોડવાની લાઈનો બંધ કરાવીને નદીને પુનઃ સ્થાપિત કરે તેવી દ્રઢ ઈચ્છા વ્યકત કરી છે.