વડોદરા, તા.૭ 

કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિઓ અને વિવિધ સરકારી સાહસોના ખાનગીકરણ તેમજ લાૅકડાઉન જાહેર કરાયા પછી સરકાર દ્વારા લોકવિરોધી અને કામદાર વિરોધી નીતિઓ સરકાર અમલમાં લાવી રહી છે તેનો વિરોધ કરતાં સંયુક્ત કામદાર સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. બેનર્સ અને પ્લેકાડ્‌ર્સની સાથે સંયુક્ત કામદાર સમિતિએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક સેવાઓ અને રેલવે, પોસ્ટ જેવા નફો કરતા સરકારી સાહસો અને સેવાઓનું ખાનગીકરણ રદ કરવામાં આવે, જ્યારે આઈસીડીએસ, એનએચએમ, એમડીએમએસ જેવી સ્કીમોને કેન્દ્રિય સરકારના નેજા હેઠળ લેવામાં આવે અને તે માટે પૂરતું બજેટ ફાળવવામાં આવે. ઈન્ડિયન લેબર કોન્ફરન્સના ૪૫મા અને ૪૬મા અધિવેશનના સૂચનોનો અમલ કરવામાં આવે અને સ્કીમ વર્કરોને કાયમી કરવામાં આવે. તમામ કામદારોને ૨૧,૦૦૦ રૂા. લઘુતમ વેતન ચૂકવવામાં આવે અને ૧૦,૦૦૦ રૂા. માસિક પેન્શન ચૂકવવામાં આવે. તમામ કામદારો તથા સ્કીમ વર્કરોને ઈએસઆઈ અને પ્રોવિડન્ડ ફંડની સુવિધા આપવામાં આવે. તમામ જરૂરિયાતમંદ તથા માઈગ્રન્ટ વર્કર્સને નિઃશુલ્ક ધોરણે રેશન આપવામાં આવે અને છ મહિના સુધી તેઓને ૭૫૦૦ રૂા. ભથ્થુ ચૂકવવામાં આવે સૌને નોકરી અને રોજગારીની તક પૂરી પાડવામાં આવે. ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે કામ કરતા તમામ કર્મચારીઓને ૫૦ લાખનો ઈન્શ્યોરન્સ સુરક્ષા કવચ આપવામાં આવે અને કોવિડ-૧૯ની નોકરી દરમિયાન કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો તેમના નજીકના સગાંને પેન્શન તથા નોકરી આપવામાં આવે અને તેઓના પરિવારને કોવિડ-૧૯ નિઃશુલ્ક ધોરણે સારવાર કરવામાં આવે તેવી માગણી કરી છે.