ગાંધીનગર-

રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે આ વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી દાહોદ ખાતે સાદાઈથી ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વની સાથે ગુજરાત પણ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે દિવાળીથી માડીને એક પછી એક ઉત્સવો રદ કર્યા છે.

ત્યારે હવે દાહોદ ખાતે યોજાનાર 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી રદ કરીને સાદગીથી ધ્વજ વંદન કરવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જોકે આયોજિત આ કાર્યક્રમમાં વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહેશે અને ધ્વજ વંદન કરશે જેમાં કોઈપણ પ્રકારનો સાંસ્કૃતિક કે પોલીસ પરેડ જેવા કાર્યક્રમો આયોજીત કરવામાં નહીં આવે,

ઉલ્લેખનીય છે કે કોરોના ની મહામારી વચ્ચે ઊભી થયેલી પરિસ્થિતિના કારણે રાજ્ય સરકાર દ્વારા અગાઉ નવરાત્રી, દિવાળી લોકમેળા, ક્રિસમસ નાતાલ અને આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ની પ્રતિવર્ષ આયોજિત કરવામાં આવતી ભવ્ય ઉજવણીના વિવિધ કાર્યક્રમો ઉપર બ્રેક લગાવી છે. ત્યારે હવે રાજ્ય સરકાર આગામી 26મી જાન્યુઆરી ના પ્રજાસત્તાક દિનની ઉજવણી પણ સાદગીથી મનાવવાનો નિર્ણય કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ 26મી જાન્યુઆરીના દિવસે ગુજરાતના કોઇપણ મહાનગર કે જિલ્લા કક્ષાએ રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવતી હોય છે. એટલું જ નહીં આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડાયરા નું આયોજન પણ કરવામાં આવતું હોય છે. જોકે વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને વિજય રૂપાણી દ્વારા દાહોદ ખાતે 26મી જાન્યુઆરીએ રાજ્યકક્ષાની સાદગીપૂર્ણ ઉજવણી કરશે.