વડોદરા : શહેરના બિલ અટલાદરા માર્ગ પર આવેલ પ્રથમ રિવેરાના બિલ્ડર અને ડેવલપર્સ સામે રેરા - ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તેમજ રેરાએ કરેલા હુકમમાં આ બિલ્ડર્સને સોસાયટીઓના સભ્યોની બાકી સવલતો તાકીદે પુરી પાડીને સબંધિત ઓથોરિટીઓ પાસેથી એ અંગેનું કંપ્લીશન સર્ટિફિકેટ કે એનઓસી મેળવીને પૂરું પાડવા જણાવ્યું છે. આ ઉપરાંત સોસાયટીના ૧૧૦ સભ્યો પાસેથી રૂપિયા ત્રીસ હજાર લેખે ઉઘરાવેલ તેત્રીસ લાખ જેટલી માતબર રકમ દોઢ માસમાં -૪૫ દિવસમાં સર્વિસ સોસાયટીના ખાતામાં જમા કરવાને માટે જણાવ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૦માં કરવામાં આવેલ ફરિયાદનો રેરા દ્વારા પાંચમી ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ નિકાલ કરવામાં આવ્યો છે. બિલ અટલાદરા કેનાલ રોડ પર આવેલ પ્રથમ રિવેરા ગાર્ડન એન્ડ ફ્લોરેન્સ ટાવર્સ કો-ઓપરેટીવ હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડ દ્વારા ગત સપ્ટેમ્બરમાં રેરા સમક્ષ ભાગીદારી પેઢી પ્રથમ ડેવલોપર્સ અને એના મેનેજીંગ પાર્ટનર જયંત શાંતિલાલ સંઘવી અને બીજાઓ સામે રેરામાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં પ્રાથસમ રિવેરા પ્રોજેક્ટના ટાવરો જી ગાર્ડન અને એફ ફ્લોરેન્સમાં ૨૦ અને ૯૬ એમ કુલ ૧૧૬ ફ્લેટ છે. જે પૈકી જી ટાવરના ૨૦ અને એફ ટાવરના ૯૦ ફ્લેટ ધારકો પાસેથી બિલ્ડરે ત્રીસ હજાર લેખે ૩૩ લાખ કાયમી મેન્ટેનન્સ ફંડ તરીકે ડિપોઝીટ લીધી હતી. જયારે નહિ વેચાયેલા છ ફ્લેટના ૧.૮૦ લાખ ગણતા કુલ ૩૪,૮૦,૦૦૦ મેન્ટેનન્સ ડીપોઝીટના જમા કરાવવાના થાય છે. આ ઉપરાંત બિલ્ડર દ્વારા નબળું બાંધકામ કરાયાના અને અપૂરતી સવલતો અપાયાના પણ રેરામાં કરાયેલ ફરિયાદમાં સભ્યો દ્વારા આક્ષેપ કરાયો છે. જેથી સભ્યોએ રેરામાં એવી દાદ માગી હતી કે, બિલ્ડર તેઓને યોગ્ય ગુણવત્તાવાળું પીવાનું પાણી પૂરું પાડે, ડ્રેનેજ, વોટર હાવેર્સ્ટિંગ, ફાયર સેફટી, પાર્કિંગ, મલ્ટીપરપઝ પ્લેટફોર્મ, જિમ,ક્લબહાઉસ, સીસીટીવી, ઇન્ટરકોમ વચન આપ્યા મુજબ પૂરું પાડે. રેરાએ બિલ્ડરની વિરુદ્ધમાં અને સભ્યોની તરફેણમાં હુકમ કરતા જણાવ્યું હતું કે, ૪૫ દિવસમાં સોસાયટીના સભ્યોને ૩૦ હજાર લેખેના રૂપિયા ૩૩ લાખ આપવા કહ્યું હતું.