વડોદરા, તા.૧૮ 

નેશનલ હાઈવે નં.૮ પર આલમગીર પાસે એક કંપનીના પ્લોટમાંથી ૭ ફૂટના અજગરને, જ્યારે તરસાલી શિવશક્તિ ટ્રેડર્સના ગોડાઉનમાંથી ૪.પ ફૂટની પાટલા ઘોને પ્રાણીપ્રેમી સંસ્થાના કાર્યકરોએ રેસ્કયૂ કરીને વન વિભાગને સુપરત કરી હતી.

ચોમાસાના પ્રારંભ સાથે મગરો, સરિસૃપો રહેણાંક વિસ્તારોમાં આવી જવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સાંઈદ્વારકા માઈ ચેરિટેબલ ટ્રસ્ટના જયેશ પટેલને ફોન આવ્યો હતો કે, આલમગીર પાસે એક કંપનીના પ્લોટમાં મહાકાય અજગર આવી ગયો છે. આ અંગેની જાણ થતાં જ જયેશ પટેલ, ઈસ્માઈલભાઈ અને તેમની ટીમના સભ્યો સાથે સ્થળ પર દોડી ગયા હતા અને ૭ ફૂટના અજગરને રેસ્કયૂ કરીને વન વિભાગના હવાલે કર્યો હતો.

જ્યારે વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના અરવિંદ પવારને કોલ મળ્યો હતો કે, તરસાલી શિવશક્તિ ટ્રેડર્સના ગોડાઉનમાં પાટલા ઘો આવી ગઈ છે. આ અંગેની જાણ થતાં સંસ્થાના કાર્યકર એલવીન તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને ૪.પ ફૂટની પાટલા ઘોને રેસ્કયૂ કરીને વન વિભાગને સુપરત કરી હતી.