ભરૂચ, ભરૂચ નગરપાલિકાની ચુંટણીના પડઘમ વાગી ચુકયાં છે ત્યારે મતદારો પણ હવે વિકાસના કામો નહિ કરનારા કોર્પોરેટરોને સ્થાનિક રહીશો પાઠ ભણાવવાના મિજાજમાં દેખાઇ રહયાં છે. શહેરના પાનખાડી અને દુબઇ ટેકરી વિસ્તારના રહીશોમાં માળખાકીય સુવિધાઓના અભાવે રોષ જાેવા મળી રહયો છે.જુના ભરૂચમાં આવેલા હાથીખાનાના પાનખાડી વિસ્તારમાં સમગ્ર ભરૂચનું પાણી નર્મદા નદી સુધી પહોંચતી મુખ્ય કાંસ ઉપર સ્લેબ ભરવામાં આવ્યો હતો. પરંતુ આ કામગીરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહયાં છે. તકલાદી બાંધકામના કારણે સ્લેબ ઠેકાણે ધસી પડ્યો છે અને કેટલાય લોકોના મકાનોને નુકસાન થઈ રહ્યું છે તદુપરાંત આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અભાવે અંધારપટમાં પણ વૃદ્ધો અને બાળકો ગટરોમાં ખાબકી રહ્યા છે.

કાંસમાં વરસાદ ટાણે સમગ્ર કાંસ પાણીથી ભરપૂર જાેવા મળતી હોય છે અને આમાં જાે કોઈ બાળક પડી જાય તોએ બાળક સીધું નર્મદા નદીના કાંઠે નીકળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે સ્થાનિકોએ પણ ચૂંટણી ટાણે જ કાંસ બનાવવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે પાનખાડી વિસ્તારની કાંસનું કામ નહીં થાય તો આ વિસ્તારમાં કોઇપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં નહીં આવે તેવી ચીમકી આપવામાં આવી છે. માત્ર જુના ભરૂચ જ નહી અન્ય વિસ્તારોમાંથી પણ નગરપાલિકાના શાસકો સામે વિરોધ વંટોળ ઉઠી રહયો છે. ભરૂચ નગરપાલિકાના નવા સીમાંકનમાં દુબઇ ટેકરી વિસ્તારનો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પણ આજદિન સુધી આ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ મળી નહિ હોવાના આક્ષેપો થઇ રહયાં છે. રસ્તા, પાણી અને ગટર વિના દુબઇ ટેકરીના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે. હવે નગરપાલિકાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે રહીશો પણ તેમના વિસ્તારમાં વિકાસના કામો કરે તેવા ઉમેદવારને ચુંટીને નગરપાલિકામાં મોકલવાના મિજાજમાં દેખાઇ રહયાં છે.